Get The App

પોલીસ તંત્રમાં 2000 પ્રમોશનલ જગ્યાઓ પર આગામી મહિને ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી સ્પષ્ટતા

Updated: Dec 7th, 2024


Google NewsGoogle News
પોલીસ તંત્રમાં 2000 પ્રમોશનલ જગ્યાઓ પર આગામી મહિને ભરતી, હાઈકોર્ટમાં સરકારે આપી સ્પષ્ટતા 1 - image


Police Recruitment : દેશના રાજ્યોમાં કોમી તોફાનો દરમ્યાન જાહેર મિલ્કત, જાનમાલને થતા નુકસાન, પોલીસની ભૂમિકા અને સંખ્યાબળ સહિતના મુદ્દાને લઇ હાઇકોર્ટમાં થયેલી સુઓમોટો પીઆઇએલમાં સરકાર તરફથી આજે સ્પષ્ટ કરાયું હતું કે, પોલીસ તંત્રમાં ખાલી પડેલી બે હજાર પ્રમોશનલ જગ્યાઓ પર એક જ મહિનામાં ભરતી કરવામાં આવશે. તો, પોલીસ તંત્રમાં કુલ ખાલી જગ્યાઓ પર સીધી ભરતી અંગેની જાહેરાત મામલે પણ ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવનાર છે. 

પોલીસ ભરતી, ટ્રેનીંગ સહિતના મુદ્દે દિવાળી બાદ ઉચ્ચ અધિકારીઓની સરકારના સત્તાધીશો સાથે બેઠક 

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે સરકારના સોગંદનામાને રેકર્ડ પર લઇને કેસની વધુ સુનાવણી જાન્યુઆરી માસમાં મુકરર કરી હતી.  દેશના વિવિધ રાજયોમાં કોમી તોફાનો સહિતના કિસ્સાઓમાં જાનમાલને થતા નુકસાન અને આ મામલે પોલીસની ભૂમિકા સહિતના અનેક મુદ્દાઓને લઇ સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર હાઇકોર્ટ તરફથી દાખલ કરાયેલી સુઓમોટો પીઆઇએલમાં શુક્રવારે રાજ સરકાર તરફથી પોલીસ તંત્રમાં ખાલી જગ્યાઓ ભરતી અંગેની રૂપરેખા વર્ણવતા જણાવાયું હતું કે, પોલીસ તંત્રમાં પ્રમોશનલ એટલે કે, બઢતીથી ભરવાની થતી કુલ જગ્યાઓ 4723 છે, તેમાંથી છેલ્લા બે મહિનામાં 1006 જગ્યાઓ ભરી દેવાઇ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું ભાવિ નક્કી કરશે

બાકીની જે 3717 જગ્યાઓ બચી છે, તે જગ્યાઓ પર આગામી મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. ફીઝીકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ જાહેરાત કરવામાં આવશે. 

સરકારે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે, બીજીબાજુ, બિનહથિયારધારી પીએસઆઇની ભરતી પ્રક્રિયા પણ ચાલુ છે. જેમાં બિનહથિરયારધારી પીએસઆઇ પ્રમોશનનું પરિણામ ઓકટોબર માસમાં જ જાહેર કરાયું છે અને તેથી તેની પણ આગળની કાર્યવાહી પ્રોસેસમાં છે. અદાલતનું એ મુદ્દે પણ ઘ્યાન દોરાયું કે, પોલીસ ભરતી બોર્ડને હવે ફુલ ટાઇમ ચેરમેન મળ્યા છે. 

જેઓ એડિશનલ ડીજી કક્ષાના અધિકારી છે, તેમની પાસે ટ્રેનિંગ વિભાગનો એડિશનલ ચાર્જ છે. સરકારપક્ષની રજૂઆત અને સોંગદનામું ઘ્યાને લીધા બાદ વધુ પ્રોગ્રેસ રિપોર્ટ સાથે કેસની વધુ સુનાવણી જાન્યુઆરી માસના બીજા સપ્તાહમાં રાખી હતી.


Google NewsGoogle News