બાકી મિલકતવેરાની વસૂલાત માટે, અમદાવાદમાં ટેકસ ભરનાર તબીબનુ કલીનીક સીલ કર્યા બાદ તંત્રે કહયુ,સોરી..
કરદાતા તંત્રમાં રજુઆત કરે તો જવાબ અપાય છે,સોરી... તમે જાતે સીલ ખોલી નાંખો,કર ભરનારાઓને પણ વારંવાર મોબાઈલ કોલ કરાતા હોવાનો ઘટસ્ફોટ
અમદાવાદ,રવિવાર,19
માર્ચ,2023
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરાની
વસૂલાત માટે ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. લાંભા-નારોલ વોર્ડમાં કલીનીક ધરાવતા
મહિલા તબીબે તેમનો મિલકતવેરો ભરી દીધો હોવાછતાં તેમના કલીનીકને ટેકસ વિભાગ દ્વારા
સીલ કરાયુ હોવાની વિગત બહાર આવી છે.તબીબ દ્વારા તંત્રમાં રજુઆત કરાઈ તો તંત્ર
તરફથી કહેવામાં આવ્યુ,સોરી તમે
જાતે સીલ ખોલી નાંખો.બીજી તરફ શહેરના બોડકદેવ વોર્ડમાં કરદાતા દ્વારા મિલકતવેરો
ભરી દેવામાં આવ્યો હોવાછતાં તેમને વારંવાર મોબાઈલ કોલ કરી બાકી મિલકતવેરો ભરપાઈ
કરવા કહેવાયુ હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.
૩૧ માર્ચ સુધી વર્ષ-૨૦૨૨-૨૩ સિવાયના અગાઉના વર્ષનો બાકી
મિલકતવેરો ભરપાઈ કરનારા કરદાતાઓને મ્યુનિસિપલ તંત્ર તરફથી વ્યાજની રકમમા સો ટકા
વ્યાજમાફીનો લાભ આપવામાં આવી રહયો છે.૩૧ માર્ચ સુધીમાં મિલકતવેરા પેટે વધુ રકમ વસૂલવાનો ટારગેટ મ્યુનિ.કર્મચારીઓને
આપવામા આવ્યો હોવાથી સીલ કરવામા આવતી મિલકતના મિલકતધારકે મિલકતવેરો ભર્યો છે કે
નહીં એ બાબતની પણ પુરતી ચકાસણી કરવામા આવતી નથી.લાંભા-નારોલ વોર્ડના વટવા
વિસ્તારમા કલીનીક ધરાવતા મહિલા તબીબે તેમનો મિલકતવેરો એડવાન્સ ટેકસ પેટે ભરી દીધો
હોવાછતાં ૧૭ માર્ચના રોજ મ્યુનિ.તંત્રે તેમનુ કલીનીક સીલ કરી દીધુ હતુ.તબીબે
મ્યુનિ.અધિકારીઓને આ પ્રકારની બેદરકારીથી સીલ કરવાની કાર્યવાહીથી તેમની ઈમેજને
નુકસાન થતુ હોવાનો વિડીયો સોશિયલ મિડીયામા વાઈરલ કરવાની ફરજ પડી હતી.થોડા દિવસ
અગાઉ શહેરના બોડકદેવ વોર્ડના કરદાતા દ્વારા તેમનો મિલકતવેરો ભરપાઈ કરી દીધો હોવા
છતાં ઉત્તર-પશ્ચિમ ઝોનમાં બેસાડવામા આવેલા કર્મચારી દ્વારા આ કરદાતાને વારંવાર
મોબાઈલ કરી તેમનો બાકી મિલકતવેરો ભરપાઈ કરવા કોલ કરવામા આવ્યા હતા.
મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર તરફથી શહેરના સાત ઝોનની
મુખ્ય કચેરીમાં મિલકતવેરાની વસૂલાત માટે કંટ્રોલરુમ બનાવી તેમા એક ટીમને ફરજ
સોંપવામા આવી છે.આ ટીમમા ફરજ બજાવતા કર્મચારીઓને જે તે વોર્ડ દીઠ ટેનામેન્ટ નંબરો
સાથેની એક યાદી ફોન નંબરો સાથે આપવામા આવી છે.આ ટીમને તેમના ફરજના સમય દરમિયાન
કરદાતાઓને મોબાઈલ કરી બાકી મિલકતવેરો ભરપાઈ કરવા કહેવાની કામગીરી કરવાની હોય
છે.આઘાતજનક બાબત એ છે કે,ટેકસના
વોર્ડ ઈન્સપેકટર કે ડીવીઝનલ સુપ્રિટેન્ડન્ટ આ કર્મચારીઓને અપડેટ થયેલી વિગત આપતા
નથી જેના પરિણામે જે કરદાતાઓએ તેમનો મિલકતવેરો ભરી દીધો છે તેમને હેરાનગતિ થઈ રહી
છે.