રોચક ઇતિહાસ: આવી ઘટનાઓની સાક્ષી છે અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરી, મુખ્યમંત્રીને લેવી પડી હતી શરણ

1985માં તોફાનીઓએ પોલીસ કમિશનર કચેરી ઘેરી લેતા આર્મી બોલાવવી પડી હતી

Updated: Oct 3rd, 2024


Google NewsGoogle News
રોચક ઇતિહાસ: આવી ઘટનાઓની સાક્ષી છે અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરી, મુખ્યમંત્રીને લેવી પડી હતી શરણ 1 - image

Ahmedabad Police Commissioner Office: અમદાવાદની નવી પોલીસ કમિશનર કચેરીનું આજે લોકાર્પણ થવાનુ છે. પણ જુની પોલીસ કમિશનર કચેરીનો ઇતિહાસ કાયમ યાદ રહેશે. જુની કમિશનર કચેરીએ અમદાવાદની અનેક નવા જુની જોઇ છે અને શહેર સાક્ષી પણ રહ્યું છે. સમયમાં જાણકારો કહે છે કે, મહાગુજરાત આંદોલનવેળા અને તે પહેલાં અમદાવાદ પોલીસમાં મુખ્ય અધિકારી એસ.પી. રેન્કના  હતા. એસ.પી. કચેરી પહેલાં ખાનપુર ખાતે પારસી પરિવારના એક મકાનમાં થોડા જ સમય માટે અને એ પછી ત્યારના બહારના વિસ્તાર એટલે કે પાલડીમાં સંસ્કાર કેન્દ્ર પાસે કાર્યરત હતી. મહાગુજરાત આંદોલનથી મહારાષ્ટ્રથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો તે સાથે જ અમદાવાદને પોલીસ કમિશનરેટ મળ્યાં. તા. 6-5-1960ના રોજ અમદાવાદના પ્રથમ પોલીસ કમિશનર નિરંજનદાસ હતાં. હાલમાં અમદાવાદમાં 38મા પોલીસ કમિશનર કાર્યરત છે.

રોચક ઇતિહાસ: આવી ઘટનાઓની સાક્ષી છે અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરી, મુખ્યમંત્રીને લેવી પડી હતી શરણ 2 - image

1960માં અમદાવાદને પોલીસ કમિશનરેટ મળ્યાં તે સમયે પારસી પરિવારો દ્વારા શાહીબાગમાં આંખની હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી. નવી કમિશનરેટ કચેરી માટે જગ્યાની આવશ્યકતા હતી તેવા સમયે તે સમયની આંખની હોસ્પિટલનું બિલ્ડીંગ અમદાવાદ પોલીસ કમિશનર કચેરી માટે આપવામાં આવ્યું હતું.  આ સમયે આંખની હોસ્પિટલ શહેરની બહાર ગણાતી અને તેની સામે ખેતરો હતાં. 

આજની તારીખે કાર્યરત પોલીસ કમિશનર કચેરી તત્કાલિન આંખની હોસ્પિટલના બિલ્ડીંગમાં જ ચાલે છે. હાલની કમિશનર કચેરીનો પોલીસ કન્ટ્રોલ રૂમ જ્યાં કાર્યરત છે તે આંખની હોસ્પિટલનું ઓપરેશન થિએટર હતું. કન્ટ્રોલ રૂમની બાજુમાં એટલે કે વર્તમાન પોલીસ કમિશનર કચેરીના પ્રવેશ દ્વાર પાસેની બારીઓ દર્દીઓને કેસ પેપર્સ કાઢી આપવાની બારી હતી. 1960થી 64 વર્ષના સમયગાળામાં પોલીસ કમિશનર કચેરીમાં સમયાનુસાર સામાન્ય ફેરફાર કરવામાં આવ્યાં છે.

વર્ષ 1960ના મે મહીનામાં આંખની હોસ્પિટલમાં કાર્યરત થયેલી જુની પોલીસ કમિશનર કચેરી હવે 64 વર્ષે નવી પોલીસ કમિશનર કચેરીમાં તા. 3 ઓક્ટોબરે સ્થળાંતર પામશે. અનેક તોફાનોથી માંડી ઐતિહાસીક ઘટના સાથે વિકાસની સાક્ષી બનેલી અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની સફર આંખની હોસ્પિટલથી શરૂ થઈ હતી. બદલાયેલા સમય સાથે પ્રજાજનોની સલામતી માટે તીસરી આંખ એટલે કે સીસીટીવીનું પ્રભુત્વ છે. 

રોચક ઇતિહાસ: આવી ઘટનાઓની સાક્ષી છે અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરી, મુખ્યમંત્રીને લેવી પડી હતી શરણ 3 - image

આંખની હોસ્પિટલથી તીસરી આંખ સુધીની સફર ખેડી ચૂકેલી અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી 64 વર્ષે સમય સાથે તાલ મિલાવી રાજ્યના સૌથી મોટા પોલીસ દળરૂપે આધુનિકતા તરફ આગેકૂચ કરવા જઈ રહી છે. તા. 3ની સાંજે દેશના ગૃહમંત્રી અમિત શાહ દેશની અત્યાધુનિક કમિશનરેટ કચેરીનું લોકાર્પણ કરશે. 18068 ચોરસમીટર વિસ્તારમાં સાત માળની નવી કચેરીનું નિર્માણકાર્ય  વર્ષ 2018માં આરંભાયું છે. 140 કરોડના ખર્ચે  કચેરી તૈયાર થતાં છ વર્ષનો સમય વિત્યો છે.

પોલીસના જ ટિયરગેસ સેલ સી.પી. કચેરીમાં પડતાં હતાં

પોલીસ કમિશનર કચેરી પાછળ હિન્દુ- મુસ્લિમ પરિવારો વચ્ચે જૂથ અથડામણ અને વારંવાર પથ્થરમારો થતો હતો. તોફાની ટોળાંઓને કાબુમાં લેવા પોલીસ તરફથી ટીયરગેસ સેલ પાછળ છોડાતાં હતાં તે પોલીસ કમિશનર કચેરીમાં પડતાં હતાં. 2002ના તોફાનમાં કમિશનર કચેરી પાછળ એક સ્થળે ગેસનો બાટલો ફાટતાં દોડધામ મચી ગઈ હતી.

1969: તોફાનોના તપાસપંચ બાદ કમિશનર કચેરીમાં વિસ્તરણ

1969: તોફાનો પછી તપાસપંચ નિમાયું હતું તે પછી પોલીસ કમિશનર કચેરીનું વિસ્તરણ થયું તે સાથે ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ બ્રાન્ચ તેમજ કન્ટ્રોલ રૂમના વિસ્તૃતિકરણ અને નવિનીકરણ કરવામાં આવ્યું હતું.

1985માં ચિમનભાઈ પટેલને ટોળાંએ ઘેરી લેતાં કન્ટ્રોલ રૂમમાં શરણ અપાયું તો કમિશનર કચેરીને પણ ઘેરાવ, આર્મી બોલાવવી પડી હતી

22-4-1985ના દિવસે કમિશનર કચેરી પાસેથી તત્કાલિન કિસાન મોરચાના આગેવાન અને બાદમાં મુખ્યમંત્રી બનેલાં ચિમનભાઈ પટેલ નીકળ્યાં હતાં. બપોરે 1થી 2 વચ્ચે તોફાની ટોળાંએ ગાડી રોકી તોડફોડ કરી હતી.અધિક પોલીસ કમિશનરપદે એ.કે. ભાર્ગવ હતાં તેમણે અને સ્ટાફે ચિમનભાઈએ બચાવ્યા હતા. તોફાનોના પગલે અમદાવાદમાં તહેનાત કરાયેલી આર્મીએ પોલીસ કમિશનર કચેરીને ઘેરીને બચાવી હતી. તત્કાલિન કિસાન મોરચાના આગેવાન ચિમનભાઈ પટેલને કમિશનર કચેરી કન્ટ્રોલ રૂમમાં શરણ આપવામાં આવ્યું હતું. આર્મી અને પોલીસે ટોળાંને વિખેર્યા બાદ ચિમનભાઈને હેમખેમ મોકલી દીધાં હતાં. બાદમાં, ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં હતાં.

લઠ્ઠાકાંડના મૃતકનો દેહ લઈ ટોળું કમિશનર કચેરીમાં ઘુસી ગયું

1997: પોલીસ કમિશનર હીરાલાલ હતા ત્યારે ટોળું લઠ્ઠાકાંડના મૃતકનો મૃતદેહ લઈ કમિશનર કચેરીમાં ઘુસી ગયું હતું. ટોળાં અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. સમજાવટ બાદ પરત લઈ ગયાં હતાં.

કમિશનર કચેરીને ઘેરતાં તોફાની વિદ્યાર્થીઓના ટોળાં પર બળપ્રયોગ

2002: કે.આર. કૌશિક પોલીસ કમિશનર હતાં ત્યારે તોફાની વિદ્યાર્થીઓના ટોળાંએ પોલીસ કમિશનર કચેરી ઘેરી લીધી હતી. ઘૂસી ગયેલાં 1000ના ટોળાંને બળ વાપરી વિખેર્યું હતું.



Google NewsGoogle News