રાષ્ટ્રીય રક્ષા યુનિ. દ્વારા માસ્ટર ફાઇનાન્સીયલ એન્ડ ઇકોનોમીક્સ ક્રાઇમ્સનો અભ્યાસક્રમ શરૂ કરાયો
દેશમાં પ્રથમવાર માસ્ટર ઇન ફાઇનાન્સીયલ એન્ડ ઇકોનોમીક્સ ક્રાઇમ્સ નામનો એક વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરાયો
આ કોર્ષના મોડયુલમાં ફ્રોડ, સાયબર ક્રાઇમ, કાયદા સહિતના તમામ મુદ્દાઓ આવરી લેવાયા
અમદાવાદ, બુધવાર
ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા દેશમાં પ્રથમવાર માસ્ટર ઇન ફાઇનાન્સીયલ એન્ડ ઇકોનોમીક્સ ક્રાઇમ્સ નામનો એક વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે. આ અંગે માહિતી આપતા રક્ષા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.બિમલ પટેલે જણાવ્યું કે આગામી સમયમાં આર્થિક છેતરપિંડીને લગતા ગુના સૌથી વધારે પડકારજનક બની રહ્યા છે. જેથી ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્રમાં આ બાબતને લઇને ચિંતા છે.
જેથી રક્ષા યુનિવર્સિટી ખાતે એક વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરાયો છે. જેમાં ફેક્લટી તરીકે રક્ષા યુનિવર્સિટી, સીબીઆઇ, એનઆઇએ, ફાઇનાન્સીયલ ઇન્ટેલીજન્ટ યુનિટ, ઇડી જેવી સંસ્થાઓની નિષ્ણાંતો પણ જોડાશે. આ કોર્ષના મોડયુલમાં ફ્રોડ, સાયબર ક્રાઇમ, કાયદા સહિતના તમામ મુદ્દાઓ આવરી લેવાયા છે અને પ્રથમ સત્રથી જ ૧૨૦ જેટલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમ જોડાઇ તેવી શક્યતા છે. આ અભ્યાસક્રમમાં સ્નાતક પદવી જરૂરી છે. સાથેસાથે આ કોર્ષમાં ભારતના અન્ય રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓને લાભ મળશે અને આ કોર્ષ પછી તેમને મળતી જોબમાં ઘણા સારા પેકેજની ઓફર પણ આવશે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી રાષ્ટ્રીય રક્ષાને લગતી વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ૧૪ જેટલી સ્કૂલ ધરાવે છે. જેમાં નિષ્ણાંત ફેકલ્ટી છે.