ટૂંક સમયમાં અમદાવાદ-વડોદરા વચ્ચે પણ ‘રેપિડ રેલ’ શરુ કરાશે, 70 મિનિટમાં પહોંચી જવાશે
Rapid Rail Will Be Started Between Ahmedabad-Vadodara: અમદાવાદ-ભુજ બાદ હવે આગામી ટૂંક સમયમાં અમદાવાદ-વડોદરા વચ્ચે પણ ‘નમો ભારત રેપિડ રેલ’ શરુ કરવામાં આવશે. આ ઉપરાંત વડોદરા-સુરતને પણ રેપિડ રેલથી જોડવા વિચારણા ચાલી રહી છે. 110થી 120 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેનથી અમદાવાદ-વડોદરાનું અંતર 70 મિનિટમાં જ કાપી લેવાશે. અગાઉ અમદાવાદ-વડોદરા વચ્ચે જ દેશની સૌ પ્રથમ વંદે મેટ્રો ટ્રેન શરુ કરવા આયોજન હતું. પરંતુ તેના સ્થાને અમદાવાદ-ભુજ વચ્ચે આ ટ્રેન શરુ કરાઈ હતી.
રેપિડ રેલથી નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ-ભુજ વચ્ચે રોજની 1-1 રેપિડ રેલ છે. જેના સ્થાને અમદાવાદ-વડોદરા વચ્ચે 2-3 રેપિડ રેલના 2-3 ફેરા થાય તેવી સંભાવના છે. આ રેપિડ રેલથી અમદાવાદ-વડોદરા વચ્ચે અપડાઉન કરનારા નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે (16મી સપ્ટેમ્બર) દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ ભુજ અને અમદાવાદની વચ્ચે શરુ કરવામાં આવી છે. આ ટ્રેનનું સંચાલન અઠવાડિયામાં 6 દિવસ થશે.
આ પણ વાંચો: સરકાર-સંગઠનની ત્રુટિઓથી નારાજ PM મોદીએ રાજભવનમાં નેતાઓના 'ક્લાસ' લીધા, પૂરનો રિપોર્ટ માંગ્યો
કેટલું છે ભાડું?
વંદે મેટ્રો ટ્રેન પોતાની આ યાત્રામાં 9 સ્ટેશનોએ રોકાશે. આ ટ્રેનનું રોકણ દરેક સ્ટેશન પર આશરે 2 મિનિટ સુધી રહેશે અને 5 કલાક 45 મિનિટમાં યાત્રા પૂરી કરશે. વંદે મેટ્રો ટ્રેનના ભાડાની યાદી પણ રજૂ કરવામાં આવી છે. તેમાં ઓછું ભાડું 28 રૂપિયા છે. તેના પર સુપરફાસ્ટ સરચાર્જ, રિઝર્વેશન ચાર્જ અને જીએસટી ચાર્જ ચૂકવવાનો રહેશે.
જો તમે વંદે મેટ્રો ટ્રેનમાં 50 કિમી સુધીની યાત્રા કરો છો તો તમારે 60 રૂપિયા+જીએસટી અને અન્ય ઍપ્લિકેશન ચાર્જ ચૂકવવાનો રહેશે. તેના ઉપર દર કિલોમીટર પર 1.20 રૂપિયાનું મૂળ ભાડું વધતું રહેશે. તેને મુંબઈમાં ચાલતી એસી સબઅર્બનથી પણ સસ્તી બનાવવામાં આવી રહી છે.
મુસાફરોને મળશે આ અદ્યતન સુવિધા
સ્વદેશી ટેક્નોલૉજીથી વિકસિત આ ટ્રેનમાં 12 એસી કોચ છે. જેમાં ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુલર ઇન્ટિરિયર, સતત એલઇડી લાઇટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઇન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે.