બ્રિજ, મેટ્રોરેલના નબળાં બાંધકામો મુદ્દે કુખ્યાત રણજિત બિલ્ડકોન દ્વારા ખનીજ રોયલ્ટીની ગોલમાલ
Representative image |
Ranjit Buildcon Mineral royalty Scam: અમદાવાદ અને ગુજરાતમાં ફ્લાય ઑવર, રેલવે ટ્રેક, મેટ્રો ટ્રેકના સૌથી વધુ કોન્ટ્રાક્ટ મેળવનાર રણજિત બિલ્ડકોન વિવાદિત હોવા છતાં નવા ટેન્ડર મળે રાખે છે. રણજિત બિલ્ડકોન સામે કચ્છમાં એક રેલવે ટ્રેક બાંધકામમાં રૂપિયા ત્રણ કરોડની ખનીજ રોયલ્ટીની ગોલમાલનો કિસ્સો હવે પ્રકાશમાં આવ્યો છે. સરકારની ભૂસ્તરશાસ્ત્રીની કચેરી આ કોન્ટ્રાક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા મે 2023થી મથી રહી છે. પરંતુ પોલીસ આ ગોલમાલ અંગે ફરિયાદ નોંધી રહી નથી.
સુરતના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં રણજિત બિલ્ડકોન હસ્તકના મોટા વરાછા વિસ્તારમાં ઑગસ્ટ મહિનામાં ક્રેઇન એક મકાન ઉપર તૂટી પડી હતી, જેમાં કંપનીએ હાથ ખંખેરી લીધા છે. 2021માં એસ. પી. રીંગ રોડ પરના મોહમદપુરા ફ્લાય ઑવરનો સ્લેબ તૂટી પડતાં એક મજૂરનું મોત થયું હતું અને જરૂર નહીં હોવા છતાં, સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢી પાંજરાપોળ વિસ્તારમાં ફ્લાય ઑવર બનાવવાનું 108 કરોડ રૂપિયાનું ટેન્ડર પણ રણજીત બિલ્ડકોનને જ મળ્યું છે.
રણજિત બિલ્ડકોન પર રાજનેતાઓ અને અધિકારીઓના ચાર હાથ
કચ્છમાં સામખિયાળી-કીડીયાનગર રેલવે ટ્રેક બનાવવા માટે સાત લાખ મેટ્રિક ટન કપચીના ખોટા ડૉક્યુમેન્ટ બનાવી ત્રણ કરોડ કરતાં વધારે રૂપિયાની રોયલ્ટીની ગોલમાલ કર્યાની ફરિયાદ કરી હતી. ખોટા ડૉક્યુમેન્ટની વિગત અંજાર ભૂસ્તર વિભાગમાં સામે આવતા ભૂસ્તર વિભાગે અંજાર પોલીસ સ્ટેશનમાં ફોજદારી ગુનો નોંધવા અરજી કરી હતી. જો કે, રણજિત બિલ્ડકોન પર રાજનેતાઓ અને અધિકારીઓના ચાર હાથ હોવાથી એક વર્ષ પછી પણ ફરિયાદ નોંધવામાં આવી નથી.
આ પણ વાંચો: સુરત પથ્થરમારાની ઘટનાઃ આરોપીને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા
ભૂસ્તર વિભાગના સિનિયર ક્લાર્ક જવાનસિંહ ડાભીએ અંજાર પોલીસ સ્ટેશનમાં આપેલી અરજી મુજબ રણજિત બિલ્ડકોને 2021માં અમદાવાદ રેલવે ડિવિઝનમાં નો-ડ્યુ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જેમાં રોયલ્ટીને લગતા સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે રેલવે વિભાગે અંજાર ભૂસ્તર વિભાગને કાગળ મોકલ્યા હતા. અંજાર ભૂસ્તર પાસે નો-ડ્યુ સર્ટિફિકેટ આવતાં જ રણજિત બિલ્ડકોનનો ભાંડો ફોડયો હતો અને ખોટા સહી અને સિક્કા બનાવીને સાત લાખ ટન રેતી અને કપચીની રોયલ્ટીની ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું હતું. આ કપચી અને રેતીની રોયલ્ટી અંદાજે રૂપિયા ત્રણ કરોડ જેટલી થવા જાય છે.
ભૂસ્તર વિભાગના સિનિયર ક્લાર્ક જવાનસિંહ ડાભીએ દ્વારા રણજીત બિલ્ડકોનના માલિક અને કંપનીના પ્રતિનિધિ દિપેશ સોરઠિયા સામે ફરીયાદ નોંધવા માટે મે 2023માં અરજી કરવામાં આવી હતી પણ અંજાર પોલીસે આ અરજીને કચરાના ડબ્બામાં નાંખી દીધી હતી. ભૂસ્તર વિભાગે રણજિત બિલ્ડકોન સામે ફોજદારી ફરિયાદ કરવા વારંવાર રજૂઆત કરી હતી પણ રાજકીય પીઠબળ ધરાવતાં રણજિત બિલ્ડકોન સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી. કચ્છ અને ગુજરાતના અધિકારીઓ અને રાજનેતા રણજિત બિલ્ડકોન સાથે મળેલા હોવાથી જનતાની તિજોરીને ત્રણ કરોડથી વધારેનું નુકસાન થયું છે અને રણજિત બિલ્ડકોન જેવી કંપની ફૂલીફાલી રહી છે.
વાડ જ ચીભડાં ગળે ત્યાં...
અમદાવાદમાં પાંજરાપોળ વિસ્તારમાં ફલાય ઑવર બાંધવા જતાં અનેક વૃક્ષોનો ઓથ વળી જાય તેમ છે, આવા બ્રિજની જરૂર જ નથી એવો વિરોધ સ્થાનિક લોકોએ કર્યો છે. આમ છતાં એક ચોક્કસ નેતાના દબાણ હેઠળ કોઈ પણ હિસાબે બ્રિજ બનાવવા અને તેનું કામ રણજિત બિલ્ડકોનને જ મળે તેવી કાર્યવાહી થઈ છે. આમ કરવાથી અમુક લોકોને આર્થિક લાભ થવાની ચર્ચા છે. ટૂંકમાં વાડ જ ચીભડાં ગળે એવી સ્થિતિનું નિર્માણ થયેલું છે. રાજનેતાઓના આશીર્વાદ વગર આ શક્ય નથી.
રણજિત બિલ્ડકોનના વિવાદો
•ઑગસ્ટમાં સુરતના મોટા વરાછા ખાતે મેટ્રોના બાંધકામ સમયે મહાકાય ક્રેઇન તૂટી પડી હતી. સદ્નસીબે બંગલાના રહેવાસીઓ બહારગામ હોવાથી જાનહાનિ ટળી હતી.
•એસ. પી. રીંગ રોડ ઉપર મોહમ્મદપુરા ફ્લાયઑવરના બાંધકામ સમયે સ્લેબ તૂટી પડતાં એકનું મોત નવા ટેન્ડર બહાર પાડ્યા બાદ કોઈ અન્ય કોન્ટ્રાક્ટર તૈયાર ન થતાં, રણજીત બિલ્ડકોને જ બ્રિજ બનાવ્યો હતો.
•પાંજરાપોળ ખાતે દાયકાઓ જૂના ઘટાટોપ વૃક્ષોનું નિકંદન કાઢી રૂ. 108 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવાનો કોન્ટ્રાક્ટ હાઇકોર્ટમાં રજૂ થયેલા કાગળો અનુસાર અહીં ફ્લાયઓવરની જરૂરિયાત જ નહીં હોવાનું ખૂલ્યું છે.