અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંક બદનક્ષી કેસમાં રણદીપ સૂરજેવાલાને જામીન મળ્યા
અમદાવાદ, તા. 18 ડિસેમ્બર 2019, બુધવાર
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક (ADC) વિરૂદ્ધ ટિપ્પણી કરવા મુદ્દે આજે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા કોર્ટમાં હાજર રહ્યાં હતા.
કોર્ટે 15 હજારના બોન્ડ પર સુરજેવાલાના શરતી જામીન મંજૂર કરવામાં આવી છે. રણદીપ સુરજેવાલાના જામીનદાર ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનિષ દોશી બન્યા હતા. આ કેસની આગામી સુનાવણી 15 ફેબ્રુઆરી 2019ના રોજ હાથ ધરાશે.
2016માં નોટબંધી સમયે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ નિવેદનો કર્યા હતા કે, એડીસી બેંકે 5 દિવસમાં જ રૂ.745.59 કરોડનું કાળું નાણું ધોળું કર્યું હતું.
જે બેંકમાં અમિત શાહ ડાયરેક્ટર હતાં. આ નિવેદનોના કારણે એડીસી બેંક અને બેંકના ચેરમેન અજય પટેલે મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી અને સૂરજેવાલા સામે બદનક્ષીની ફરિયાદ કરી હતી.
નોટબંધીમાં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ. બેંકમાં સૌથી વધુ નોટો જમા થઈ
એક RTIના જવાબમાં દેશની કો ઓપરેટિવ બેન્કોમાં નોટબંધી દરમિયાન જૂની નોટો સામે બદલવામાં આવેલી નવી નોટોની જાણકારી આપવામાં આવી હતી.
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 745 કરોડ રૂપિયાની જૂન નોટો બદલવામાં આવી હતી. આ યાદીમાં બીજા ક્રમે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક છે. જેના અધ્યક્ષ ભાજપના જ ગુજરાત સરકારના મંત્રી જયેશ રાદડીયા છે.
ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા કરો ક્લિક
ત્રીજા ક્રમે પૂણે ડિસ્ટ્રિક્ટ સહકારી બેંક છે. જેના ચેરમેન એનસીપીના પૂર્વ નેતા રમેશ થોરાટ છે. જ્યારે ચોથા ક્રમે આવતી કાંગરા જિલ્લા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાં 543 કરોડ રૂપિયા બદલવામાં આવ્યા હતા. બેંકના અધ્યક્ષ કોંગ્રેસના નેતા જગદીશ સપેહિયા છે.
પાંચમા ક્રમે સુરતની સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંક છે. જેમાં 369 કરોડની ચલણી નોટો બદલવામાં આવી હતી. જેના અધ્યક્ષ ભાજપના નેતા નરેશ પટેલ છે. છઠ્ઠા ક્રમે રહેલી સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેંકમાંથી 328 કરોડની નોટો બદલાઈ હતી. જેના ચેરમેન ભાજપના નેતા મહેશભાઈ પટેલ છે.