રામ મંદિરનો ઉત્સાહ : અમદાવાદનાં બજારોમાં દિવાળી જેવી રોનક, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 'થીમ બેઇઝ્ડ માર્કેટ' ઊભું થયું
- રોશની-દીવડા, તોરણ, ભગવાન રામના ફ્લેગ, રામ મંદિરની પ્રતિકૃતિની ભારે ડિમાન્ડ : મીઠાઇ માટે પણ એડવાન્સ બુકિંગ
અમદાવાદ,તા.20 જાન્યુઆરી 2024,શનિવાર
અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઘડી નજીક આવી રહી છે તેમ લોકોનો ઉત્સાહ પણ આસમાને જઇ રહ્યો છે. અમદાવાદની બજારોમાં દિવાળી જેવો માહોલ છે. રોશની, રામ મંદિરની ડિઝાઇનના ફ્લેગ, ભગવાન રામની પ્રતિકૃતિના ખેસનું પુષ્કળ વેચાણ થઇ રહ્યું છે. આ ઉપરાંત 22 જાન્યુઆરી માટે મીઠાઇના પણ એડવાન્સ બૂકિંગ થઇ ગયા છે.
આગામી 22 જાન્યુઆરીના અયોધ્યા ખાતે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જેના માટે સરકારી કચેરીઓ, અનેક ખાનગી કંપનીઓમાં પણ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં ખાસ કરીને કાલુપુર, ઢાલગરવાડ, માણેકચોક, નરોડા સહિતની બજારોમાં રામ મંદિર-ભગવાન રામની મૂર્તિ, રામ મંદિરની પ્રતિકૃતિ, ભગવાન રામની પ્રતિકૃતિ ધરાવતી ટી શર્ટ, ભગવાન રામના મહોરા, રામના ખેસ સહિતનું પુષ્કળ વેચાણ થઇ રહ્યું છે. રામ મંદિરની પ્રતિષ્ઠા થશે તે દિવસે ઘરને રોશની-ડેકોરેટિવ લાઇટથી શણગારવા પણ ભારે ખરીદી જોવા મળી રહી છે. રામ મંદિર-ભગવાન રામના ફ્લેગની સૌથી વધુ ખરીદી થઇ રહી છે. આ ફ્લેગનું રૂપિયા 150થી વધુની કિંમતે વેંચાણ થાય છે.
રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે તે દિવસે મીઠાઇનું પણ ભારે વેચાણ થશે. અમદાવાદની મીઠાઇની દૂકાનમાં હજારો કિલોગ્રામ મીઠાઇના બૂકિંગ થઇ ગયા છે. બુંદી-મોતીચુરના લાડુ, પેંડા, મોહનથાળ જેવી પારંપરિક મીઠાઇઓ ઉપર વધારે પસંદગી ઉતારવામાં આવી રહી છે.
અમદાવાદના મીઠાઇનું વેચાણ કરતાં એક દુકાનદારે કહ્યું કે,' સોસાયટી-ઓફિસમાં મીઠાઇના વેચાણ માટે એડવાન્સ બૂકિંગ થઇ ગયા છે. ગત વર્ષની દિવાળી કરતાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા વખતે વધારે મીઠાઇનું બૂકિંગ થયું છે. ઓર્ડરને પહોંચી વળવા અમારે બહારથી વધારાના કંદોઇને બોલાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ' પૂજાપાની ચીજ વસ્તુઓ, રામાયણની વેષભૂષાની પણ ભારે ડિમાન્ડ જોવા મળે છે. રામાયણની વેષભૂષા માટેના વસ્ત્રો-તીર-બાણ-ગદા જેવા સાધનો બમણા નાણા આપવા છતાં પણ ભાડેથી મળી રહ્યા નથી.