અમદાવાદના 6 મિત્રો સાયકલ પર 1500 KM અંતર કાપીને 15 દિવસમાં અયોધ્યા પહોંચશે
- અમદાવાદથી દસ દિવસમાં 1000 કિ.મી.અંતર કાપીને આજે ઝાંસી પહોંચ્યા છે
- સાયકલ યાત્રામાં જયંતિ પટેલ, પાર્થ ખત્રી, દશરથ પટેલ, જલક પટેલ, બાબુ પટેલ અને ચંદ્રકાંત જોડાયેલા છે
- સીટીએમ વિસ્તારમાં રહેતા સાઈ ગ્રુપના સભ્યો દેશના વિવિધ સ્થળોએ અવાર નવાર સાયકલ યાત્રા કરે છે
અમદાવાદ,તા.16 જાન્યુઆરી 2024,મંગળવાર
50 થી પણ વધારે વર્ષો પછી અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઇને દેશવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામલલ્લાના આ ભવ્યાતિભવ્ય ઉત્સવને દરેક લોકો યાદગાર બનાવવા માટે વિવિધ કાર્ય કરી રહ્યા છે ત્યારે અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતા સાઇ ગ્રુપના છ મિત્રો સાયક્લિંગ કરીને અયોધ્યા જવા માટે નીકળ્યા છે. આ વિશે ગ્રુપના આગેવાન જ્યંતીભાઇ પટેલે કહ્યું કે, ઘણાં વર્ષોની તપસ્યા પછી અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બન્યું છે અને મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની ભવ્ય રીતે ઉજવણી થવાની છે ત્યારે અમારા ગ્રુપના સભ્યો દ્વારા અયોધ્યા જવા માટેનો વિચાર કર્યો હતો. ગ્રુપમાંથી છ સભ્યોએ અયોધ્યા જવા માટે તૈયારી બતાવી હતી અને તે રીતે અયોધ્યા જવા માટે નીકળ્યા છીએ. અયોધ્યામાં ભગવાન શ્રીરામ બિરાજમાન તેનાથી વિશેષ બીજી કોઇ ખુશી અમારા જીવનમાં હોય શકે જ નહીં. અમે ફિટ ઇન્ડિયા મુમેન્ટના સ્લોગન સાથે સાયકલ લઇને અયોધ્યા જવા નીકળ્યા હતા. અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન કરવાનો લાભ નહીં મળે તો તે પછીના દિવસોમાં અમે ભગવાન શ્રી રામના દર્શન કર્યા વિના ઘરે પાછા ફરીશું નહીં. અમારા માટે ભગવાન શ્રી રામ સર્વોપરી છે અને તેમના દર્શન માત્રથી જીવન ધન્ય થઇ જશે. દિવસનું 100 કિ.મી. એમ 15 દિવસમાં 1500 કિ.મી.નું અંતર સાયક્લિંગ કરીને પૂર્ણ કરીને અયોધ્યામાં પહોંચીશું. અમારા ગ્રુપમાં 25 થી 62 વર્ષના લોકો જોડાયેલા છે. અત્યાર સુધીમાં 600 કિ.મી. અંતર પૂર્ણ કર્યું છે. અમે જમવા માટેની સુવિધા પણ અમે સાથે રાખી હતી.
અમે લોકોએ ગ્રૂપમાં તિરૂપતિ, શિરડી, સોમનાથ સુધી પણ સાયક્લિંગ કર્યું છે
અમારા સાઇ ગ્રુપમાં વધુ સભ્યો જોડાયેલા છે, જેમાં હાલ છ મિત્રોએ અયોધ્યા માટે નીકળ્યા છીએ. 2012માં અમારા ગ્રુપના ત્રણ સભ્યો સાયક્લિંગ કરીને તિરૂપતિ, સોમનાથ અને પાંચ વાર શિરડી ગયા હતા. દરેક સ્થળોએ સાયક્લિંગની સાથે લોકજાગૃતિનો મેસેજ આપ્યો હતો. સમગ્ર દેશ અયોધ્યામાં બનેલા ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે ઉત્સુક છે ત્યારે અમે પણ અલગ જ અંદાજમાં અયોધ્યા જવા માટેનું આયોજન કર્યું હતું. - પાર્થ ખત્રી
રામના દર્શન કરી જીવનનો સંકલ્પ પૂરો કરીશ
હું ઘણાં વર્ષોથી સાયક્લિંગ કરું છું. મિત્રો સાથે ફરવા જવા માટે સાયક્લિંગ બેસ્ટ ઓપ્શન છે અને તેને લીધે અમે દેશના જાણીતા ધાર્મિક સ્થળોએ જઇએ છીએ. હું અત્યાર સુધી શિરડી, સોમનાથ, ડાકોર, તિરૂપતિ સુધી સાયક્લિંગ કર્યું છે. અયોધ્યામાં ભગવાન શ્રી રામના દર્શન કરવા તે મારા જીવનનો સંકલ્પ હતો ત્યારે હવે નવનિર્મિત ભગવાન રામના મંદિરમાં તેમના દર્શન કરવાથી મારું જીવન ધન્ય થશે. - બાબુભાઇ પટેલ, 62 વર્ષ
રામલલ્લાના દર્શન કરવાની વર્ષોની ઇચ્છા પૂરી થશે
ઘણાં વર્ષોથી સાયકલ લઇને ગુજરાત સહિત વિવિધ જગ્યાએ પ્રવાસ કર્યો છે. ભગવાન રામલલ્લાની મૂર્તિપ્રતિષ્ઠા નિમિત્તે મિત્રો સાથે સાયકલ લઇને અયોધ્યા દર્શન કરવાની વર્ષોની મારી ઇચ્છા પૂરી થવાની છે તે ક્ષણની અમે રાહ જોઇ રહ્યા છે. ભગવાન રામલલ્લાના દર્શન કરવાની વર્ષો પછીની મારી ઇચ્છા પૂરી થતા જીવન ધન્ય થઇ જશે. પરિવર તથા મિત્રોનો દરેક સમયે સપોર્ટ મળ્યો છે અને તેનાથી હું કાર્યમાં ઘણો સફળ રહ્યો છું. - દશરથભાઇ પટેલ