'રામ એક આસ્થા કા મંદિર' : રામ ભક્તે સાત મહિનાની મહેનતથી ભગવાન રામનું છ ફૂટ લાંબા કટઆઉટવાળું પુસ્તક બનાવ્યું

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
'રામ એક આસ્થા કા મંદિર' : રામ ભક્તે સાત મહિનાની મહેનતથી ભગવાન રામનું છ ફૂટ લાંબા કટઆઉટવાળું પુસ્તક બનાવ્યું 1 - image


- અમદાવાદી રામભકતની અનોખી શબ્દસાધના  

- 'રામ એક આસ્થા કા મંદિર' પુસ્તકના 36 પાનામાં 1825 થી 2020 સુધીના ઇતિહાસનું વર્ણન 

અમદાવાદ,તા.6 જાન્યુઆરી,શનિવાર

અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની થનારી પ્રાણપ્રતિષ્ઠા અંગે દેશવાસીઓમાં ઘણી ખુશી છે ઉમળકો જોવા મળી રહ્યા છે. વિશ્વભરના કરોડો લોકો આ ઘટનાના સાક્ષી બનવા આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. લોકો ભગવાન શ્રી રામ માટે ઘણી તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે અમદાવાદમાં રહેતા અપૂર્વ શાહે ભગવાન રામ પ્રત્યેના અનોખો પ્રેમને પુસ્તક સ્વરૂપ આપ્યું છે. પંકજ શાહે 'રામ એક આસ્થા કા મંદિર' નામનું પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તકની ખાસિયત એ છે કે, ભગવાન શ્રી રામની તસવીરને જ કટઆઉટ કરીને તેને પુસ્તક દેહ આપવામાં આવ્યો છે. છ ફૂટ લંબાઈ ધરાવતું આ પુસ્તક ભગવાનના કટઆઉટને કારણે અદ્વિતિય બની ગયું છે. ભારતમાં રામ લલ્લાના જીવન-કવનને રજૂ કરતું આવું અનોખું પુસ્તક ક્યારેય તૈયાર થયું નથી. 

આ વિશે અપૂર્વ શાહે કહ્યું કે, ભગવાન રામ મર્યાદાપુરુષોત્તમ તરીકે ઓળખાય છે અને તેમના જીવન સિદ્ધાંતોથી મનુષ્ય પોતાનું જીવન જીવીને તેમના ચરણોમાં સમર્પિત કરવાની પ્રેરણા આપે છે. હું જૈન છું અને ભગવાન રામ પ્રત્યે મને ઘણું માન છે ત્યારે આ એક ઐતિહાસિક ઘટના બની રહેશે અને તે મારા જીવન માટે કાયમી સંભારણું બની રહે તે માટે છ ફૂટ લાબું અને બે ફૂટ પહોળું પુસ્તક બનાવ્યું છે. આ પુસ્તક કુલ 36 પાનાનું છે અને તેનું વજન 54 કિલોગ્રામ છે. પુસ્તકમાં અયોધ્યાના હનુમાનગઢી, રામરાજ્યનગરના ઇતિહાસ અને ભગવાન રામના જીવન-કવનનું વર્ણન કરાયું છે. પુસ્તકમાં જૈન પરંપરામાં ભગવાન રામ અને અયોધ્યા નગરી વિષયને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ પુસ્તક સાત મહિનામાં તૈયાર થયું છે અને તેનો ખર્ચ 80 હજાર થયો છે. આ પુસ્તક રામ મંદિરમાં ભેટ સ્વરૂપે સ્વીકાર કરે અને ત્યાં કાયમી સ્થાન પામે તેવી મારી ઇચ્છા છે.   

સાત વાર અયોધ્યા જઇને લોકો પાસેથી માહિતી મેળવીને પુસ્તક બનાવ્યું છે : અપૂર્વ શાહ

ભગવાન રામ પ્રત્યેની લાગણીને લઇને હું સાત વાર અયોધ્યા ગયો હતો. અયોધ્યા જઇને રામ મંદિરના મહાસચિવ, સ્થાનિક લોકો પાસેથ મળેલી માહિતીને આ પુસ્તકમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પુસ્તકમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને પણ સંક્ષિપ્તમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પુસ્તક થકી ભગવાન રામના ચરણોમાં મારી સેવાને સમર્પિત કરીને જીવનની ધન્યતા અનુભવવા માગું છું. આ પુસ્તકને ઘરે કપડાના કવરથી ઢાંકીને એક ફ્રેમમાં રાખીને સાચવવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવા માટે ફ્રેમનો ઉપયોગ કરીએ છીએ. કપડાના કવરથી ઢાંકીને તેને સુરક્ષિત રાખવામાં આવે છે. આ પુસ્તકને દિલ્લી, લખનઉ, વારાણસી શહેરોમાં બુક ફેરમાં સુરક્ષિત રીતે લઇ જવા માટે જાતે કાર ચલાવીને 4500 કિ.મી.નો પ્રવાસ કર્યો છે. હું માનું છુ કે આજના સોશિયલ મીડિયાના સમયમાં લોકો પુસ્તક વાંચન ઓછું કરી રહ્યા છે ત્યારે અવનવા સ્વરૂપે પુસ્તકો તૈયાર કરી લોકો આવા પુસ્તક વાંચવા પ્રેરાઇ તે માટે કાર્ય કરવા જોઇએ. યુવાનો ધાર્મિક પુસ્તકો વાંચે, સારા ગુણો કેળવીને પારિવારિક જીવનમાં પોતાના મહત્ત્વને સમજે તો જીવનની સાચી દિશા મળે છે. 


Google NewsGoogle News