પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું કોંગ્રેસમાંથી રાજીનામું, આવતીકાલે 12 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાશે
Gujarat Politics : લોકસભા ચૂંટણીને થોડાક મહિનાઓ બાકી છે, ત્યારે અનેક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. હવે રાજુલાના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આ પહેલા તેમણે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી. બીજી તરફ, કોંગ્રેસે રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા અંગે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે, 'પક્ષ વિરોધી ગતિવિધિ બદલ અંબરીશ ડેરને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે.' જો કે એ પહેલા અમરીશ ડેર કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
રામ મંદિર અંગેના કોંગ્રેસના વલણથી મને દુઃખ
કોંગ્રેસમાંથી રાજીનામું આપીને અંબરીશ ડેરે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજીને કહ્યું હતું કે, ‘હું હોદ્દા માટે કોઈ પક્ષમાં નથી જોડાઈ રહ્યો. ખાસ કરીને મને કોંગ્રેસના રામ મંદિર અંગેના વલણથી દુઃખ છે. મેં ભાજપમાં જોડાવા માટે કોઈ ડીલ નથી કરી.’ સૂત્રોના જણાવ્યાનુસાર, અંબરીશ ડેર તેમના કાર્યકરો સાથે પાંચમી માર્ચે, મંગળવારે બપોરે 12 વાગ્યે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જશે. આ દરમિયાન રાજુલા અને જાફરાબાદમાં પણ ભાજપમાં જોડાવાના કાર્યક્રમો યોજાશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેને રાજીનામું આપ્યું
અંબરીશ ડેરે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને પોતાનું રાજીનામું આપી દીધું હતું. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘હું કોંગ્રેસ પક્ષના ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને અન્ય તમામ પદો પરથી રાજીનામું આપી રહ્યો છું. ભૂતકાળમાં મેં કોંગ્રેસના બેનર હેઠળ જીત મેળવીને લોકોની સેવા કરી છે. મને સહયોગ આપવા બદલ હું કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. મહેરબાની કરીને મારા રાજીનામાનો સ્વીકાર કરશો.'
પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે ગુપ્ત મુલાકાત
અહેવાલો અનુસાર, ચોથી માર્ચે અમદાવાદમાં ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અને અંબરીશ ડેર વચ્ચે મુલાકાત થઈ હતી. આ મુલાકાત સમયે પ્રદેશ ભાજપ નેતા ભરત ડાંગર સહિત આહિર સમાજના અન્ય સામાજિક આગેવાનો પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, અમરીશ ડેર કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ વર્ષ 2017માં રાજુલા બેઠક પર હીરા સોલંકીને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. જ્યારે વર્ષ 2022ની ચૂંટણીમાં અમરીશ ડેરનો હીરા સોલંકી સામે જ પરાજય થયો હતો.