તંત્રની બેદરકારી, રાજકોટનો ગેમ ઝોન 4 વર્ષથી ફાયર NOC કે મંજૂરી વિના જ ધમધમતો હોવાનો ખુલાસો

Updated: May 26th, 2024


Google NewsGoogle News
તંત્રની બેદરકારી, રાજકોટનો ગેમ ઝોન 4 વર્ષથી ફાયર NOC કે મંજૂરી વિના જ ધમધમતો હોવાનો ખુલાસો 1 - image


Rajkot Game Zone Fire: ગુજરાતના ઈતિહાસની અતિ ભયાનક દુર્ઘટના રાજકોટમાં ઘટવા માટે સરકારી તંત્રની ઘોર જીવલેણ લાપરવાહી ઉડીને આંખે વળગી છે. અસંખ્ય લોકોના અત્યંત દર્દનાક, કમકમાટી ઉપજે તેવા મોત માટે તંત્રના આંખ મિચામણા જવાબદાર હોવાનું ખુલ્યું છે. આશરે ૨૦૦૦ ચો.મી.થી વધુ જગ્યામાં આ ગેઈમ ઝોન ચાર વર્ષથી ધમધમતો હતો છતાં આજ સુધી આ સ્થળ માટે ફાયર એન.ઓ.સી. લેવાયું નથી અને સેફ્ટીના ધારાધોરણોનું પાલન ન્હોતું છતાં મહાપાલિકા, કલેક્ટર, પોલીસ સહિતના તંત્રોએ તેને ચાલવા દીધું છે. 

પૈસા  લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી

આજે સ્થળ પર તપાસ કરતા ચોંકાવનારી વાત એ બહાર આવી છે કે ફાયર સેફ્ટીના કેટલાક સાધનો પેટીપેક સીલબંધ હાલતમાં મળી આવ્યા હતા. બે માળનો વિશાળ ડોમમાં કોઈ હવા ઉજાસ ન્હોતો, બહાર નીકળવાના માર્ગો કે દ્વાર ન્હોતા. ડોમમાં વ્યાપક પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થો હતા, આખુ તોતિંગ સ્ટ્રક્ચર ટેમ્પરરી ખડકાયું હતું છતાં પૈસા  લાલચુઓએ એક જ સ્થળે એન્ટ્રી અને એક્ઝીટ રાખી હતી અને પ્રાપ્ત વિગત અનુસાર એન્ટ્રી પાસે જ એ.સી.માં સ્પાર્ક કે અન્ય કારણથી આગ લાગી અને આગ પલકવારમાં તો આખા ડોમને લપેટમાં લઈ લીધો હતો અને તે કારણે લોકો સળગીને ભડથું થઈ ગયા હતા.

કામચલાઉ સ્ટ્રક્ચર અનેક સ્થળે ખડકાઈ ગયા

શહેરમાં આવા કામચલાઉ સ્ટ્રક્ચર અનેક સ્થળે ખડકાઈ ગયા છે જે અંગે મનપા સૂત્રોએ જણાવ્યું કે જી.ડી.સી.આર. નિયમ મૂજબ કોઈ સીમેન્ટ કોંક્રિટનું બાંધકામ હોય તો તેનો પ્લાન મંજુર કરાવીને કમ્પલીશન લેવાનું હોય છે પરંતુ, ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે આવી જોગવાઈ નથી. આ છટકબારીનો ગેઈમઝોન, હોટલો વગેરે માટે ભરપૂર દુરુપયોગ સરકારી તંત્રએ રાજકોટમાં થવા દીધો છે.

રાજકોટ અગ્નિકાંડની પળેપળના અપડેટ માટે અહીં ક્લિક કરો

તંત્રની બેદરકારી, રાજકોટનો ગેમ ઝોન 4 વર્ષથી ફાયર NOC કે મંજૂરી વિના જ ધમધમતો હોવાનો ખુલાસો 2 - image


Google NewsGoogle News