'તંત્ર અને પોલીસની બેદરકારીને પગલે રાજકોટ અગ્નિકાંડ થયો...' SITના રિપોર્ટમાં મોટો દાવો
Rajkot Game Zone Fire : રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસ માટે નિમેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે મોડી સાંજે રાજ્ય સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો છે. ત્રણ દિવસની તપાસના અંતે તૈયાર કરાયેલો અહેવાલ મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને અપાયો છે.
સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા
સૂત્રોના મતે, આ અહેવાલમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ તંત્રના અધિકારોની લાપરવાહીને કારણે જ આગ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન છે. જોકે, આ અહેવાલ બાદ સરકાર વધુ કડક કાર્યવાહી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે. સવાલ એ છેકે, 30થી વધુ નિર્દોષ લોકોના મોતના જવાબદારોને સજા મળશે કે પછી કાર્યવાહીના નામે ક્લિન ચીટ આપી દેવાશે.
સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી
રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે રાજ્ય સરકારે સીઆઈડી ક્રાઈમના સિનિયર આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ સીટની રચના કરી હતી. સીટે ત્રણ દિવસની તપાસના અંતે મોડી સાંજે સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કરી દીધો છે. સૂત્રોના મતે, સીટે બે દિવસ સુધી ટીઆરપી ઝોન અગ્નિકાંડની તપાસ કરી કેટલાક પુરાવાઓ હાથવગા કર્યા હતાં આ ઉપરાંત આગ દુર્ઘટના સાથે સીધી કે આડકતરી રીતે જોડાયેલા મ્યુનિ,કોર્પોરેશન, ફાયર અને પોલીસ અધિકારી અને કેટલાંક શાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતાં.
પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો
આ ઉપરાંત ટીઆરપી ગેમ ઝોનની બાંધકામની પરવાનગી, ફાયર એનઓસી, પોલીસની મંજુરી, મનારંજન લાયસન્સ સહિત અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની મંજૂરીમાં કોની સાથે સાઠગાંઠ હતી જેના તપાસ કરાઈ છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કર્યો હતો. જેમાં આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ? તે અંગે તારણ રજૂકરાયા છે. સીટના બે સભ્યો પ્રાથમિક અહેવાલ લઈને રાજકોટથી ગાંધીનગર આવી પહોચ્યા હતાં.
સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં
આઈપીએસ અધિકારી સુભાષ ત્રિવેદીએ મુખ્યમંત્રી-ચીફ સેક્રેટરીને અહેવાલ સોંપવામાં આવ્યો હતો. સીટનો પ્રાથમિક અહેવાલ આવે તે પહેલાં જ ચૂંટણી પંચની મજૂરી લઈને સરકારે અગ્નિકાંડમાં જવાબદાર એવાં રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન, માર્ગ અને મકાન તથા પોલીસ વિભાગનાં સાત અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયાં છે. આ ઉપરાંત રાજકોટ પોલીસ કમિશ્નર તથા મ્યુનિ.કમિશ્નર સહિત ચાર આઈએએસ- આઈપીએસ અધિકારીઓની તાબડતોબ બદલી કરી દેવામાં આવી છે.