રાજકોટની વિવાદિત યુનિવર્સિટીમાં ગાંજા-રેગિંગ મુદ્દે NSUIનો હોબાળો, પોલીસે ટિંગાટોળી સાથે કરી અટકાયત
NSUI Protest at Rajkot Marwadi University : રાજકોટની મારવાડી યુનિવર્સિટી ભૂતકાળમાં ઘણીવાર વિવાદોમાં ઘેરાઈ હતી. જોકે, વિવાદો બાદ યુનિવર્સિટી તરફથી કોઈ ગંભીર પગલા ન લેવાતા આજે NSUI યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની માગ સાથે રજૂઆત કરવા પહોંચ્યુ હતું. યુનિવર્સિટીમાં ગાંજાનો છોડ બાદ આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીના અશ્લીલ વીડિયો મામલે NSUI રજૂઆત કરવા પહોંચ્યું હતું. જોકે, યુનિવર્સિટી દ્વારા NSUI ના નેતાઓને અંદર પ્રવેશ ન મળતાં તેઓએ દરવાજાની બહાર જ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા ગેટ પરથી જ NSUIના લોકોની અટકાયત કરવામાં આવી હતી.
શું હતો સમગ્ર વિવાદ?
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં ગાંજાનો છોડ મળવાથી લઈને આંધ્ર પ્રદેશની વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો વાયરલ થવા જેવી ગંભીર ઘટનાઓ બની હતી. જેને લઈને વિદ્યાર્થીઓની વિવિધ માગ અને ફરી આવી ઘટના ન બને તે વિશે NSUI રજૂઆત કરવા મારવાડી યુનિવર્સિટી પહોંચ્યું હતું. જોકે, NSUIના લોકોને યુનિવર્સિટીની અંદર પ્રવેશ આપવા દેવામાં આવ્યો ન હતો અને દરવાજો બંધ કરી દેવાયો. જેથી કરીને NSUIના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના દરવાજાની બહાર જ ધરણા દઈને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું. વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થી નેતાઓએ રામ ધૂન અને સૂત્રોચાર શરૂ કર્યાં. NSUIના વિરોધની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિદ્યાર્થી નેતાઓને ત્યાંથી ઉભા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિદ્યાર્થીઓ એકના બે ન થતાં પોલીસે તેઓને ટિંગાટોળી કરીને ઉભા કર્યાં અને દસેક જેટલાં NSUIના નેતાઓની અટકાયત કરી હતી.
શું કહે છે NSUI ના નેતા?
મારવાડી યુનિવર્સિટીમાં કરવામાં આવેલા સમગ્ર વિરોધ પ્રદર્શન વિશે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું કે, આ યુનિવર્સિટી સતત વિવાદમાં રહે છે. અગાઉ અહીં ગાંજાનો છોડ મળી આવ્યો હતો. તાજેતરમાં આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો બનાવી અન્ય વિદ્યાર્થિનીએ પોતાના બોયફ્રેન્ડને મોકલવાની ઘટના સામે આવી. પરંતુ, યુનિવર્સિટી દ્વારા આમાંથી કોઈપણ ઘટના પર ગંભીર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટમાં આવેલી મારવાડી યુનિવર્સિટી વિદ્યાર્થીઓને નશા તરફ ધકેલતી યુનિવર્સિટી છે. આ ભૂતકાળમાં પણ સાબિત થયું છે અને અત્યારે પણ અમે ખુલ્લો આક્ષેપ કરીએ છીએ કે, આ મારવાડી યુનિવર્સિટીમાં ખુલ્લેઆમ ગાંજા અને એમડીનો વેપાર થઈ રહ્યો છે. પરંતુ, આ તંત્ર યુનિવર્સિટીને સપોર્ટ કરતું હોય તેમ કોઈપણ પ્રકારના પગલાં લેવા માટે તૈયાર નથી.
ગૃહમંત્રીને કરી રજૂઆત
NSUIના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન દરમિયાન ગૃહમંત્રીને સવાલ કર્યો હત કે, તમે મોટી-મોટી વાતો કરો છો, પરંતુ આવી શૈક્ષણિક સંસ્થાઓ જે વિદ્યાર્થીઓને નશા તરફ ધકેલે છે, તેમની સામે કોઈ કડક પગલાં કેમ નથી લેતાં? આ સાથે NSUIના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કહ્યું કે, જો વિશે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે યુનિવર્સિટીના સંચાલકોના ઘરનો પણ ઘેરાવ કરતાં અટકીશું નહીં. અમે ત્યાં જઈને પણ વિરોધ પ્રદર્શન કરીશું.
અશ્લીલ વીડિયોનો વિવાદ શું હતો?
ગત 20 સપ્ટેમ્બર રવિવારના દિવસે મારવાડી યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં આંધ્રપ્રદેશની એક સગીર વયની બી.ટેક પહેલાં વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની દ્વારા પોતાની જ રૂમમેટ નહાતી હોય તેવો વીડિયો બનાવી પોતાના બોયફ્રેન્ડને મોકલ્યાનું સામે આ્યું હતું. જ્યારબાદ પીડિતાએ વીડિયો બનાવનાર રૂમ મેટને માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો હતો. આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા ડિસિપ્લીનરી એક્શન કમિટી બનાવવામાં આવી હતી અને આંધ્રપ્રદેશની વિદ્યાર્થિનીના વાલીને બોલાવાયા હતાં. ત્યારબાદ પોલીસ ફરિયાદ બાબતે વિદ્યાર્થિની અને વાલી દ્વારા નિર્ણય લેવાશે તેવું જાહેર કર્યું હતું.