રાજકોટ કોર્પોરેશનની ઘોર બેદરકારી, ઉઘાડી ગટરમાં બાઇક સાથે પડતાં વ્યક્તિનું મોત

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
રાજકોટ કોર્પોરેશનની ઘોર બેદરકારી, ઉઘાડી ગટરમાં બાઇક સાથે પડતાં વ્યક્તિનું મોત 1 - image
Image: Twitter @YuvrajsinhJadeja

Man Died after slipped in open sewage : આ વખતે ગુજરાતમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો છે. જોકે, છેલ્લાં ઘણાં સમયથી મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલ સૌરાષ્ટ્રમાં પણ ખાસ વરસાદ નોંધાયો નથી, પરંતુ આ વખતે તંત્રની બેદરકારીએ એક વડીલનો જીવ લીધો છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ વાતની માહિતી આપી છે. 

તંત્રની બેદરકારીએ લીધો જીવ? 

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણાં દિવસોથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ઘણાં વિસ્તારોમાં વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ન થતાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કેટલાંક માર્ગો પર ગટરો ખુલ્લી રાખવામાં આવી હતી, જેથી કરીને વરસાદી પાણીનો નિકાલ કરી શકાય. પરંતુ તંત્રની આળસ અને બેદરકારીના લીધે એક રાજકોટવાસી મોતને ભેટ્યો છે. જેને લઈને સ્થાનિક રહીશોનો તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ અમરેલી- લીલીયામાં તંત્રના વાંકે ફેલાશે રોગચાળો, ખાંભાનું સરકારી દવાખાનું બિમાર, વૉર્ડમાં ફરે છે શ્વાન

ઘટનાની વાત કરીએ તો, 3 સપ્ટેમ્બરે વહેલી સવારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં હીરાના બંગલા પાસે નાઇટ શિફ્ટ કરીને વહેલી સવારે પરત ફરી રહેલાં વનરાજસિંહ જાડેજાને આ ઉઘાડી ગટર દેખાઈ ન હતી. જેથી તેઓ બાઇક સાથે ગટરમાં પડી ગયા હતાં, જેના લીધે બાઇકનું હેન્ડલ તેમના છાતીના ભાગે ઘુસી ગયું હતું અને પાંસળીઓ ભાંગી જતાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર બાદ તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ અચાનક તબિયત બગડી જતાં તેમને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા અને રવિવારે મૃત્યુ નીપજ્યું હતું. જેના લીધે પરિજનો દુઃખમાં ગરકાવ થયા હતાં. 


તંત્રને ગણાવ્યું મોતનું જવાબદાર

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહ જાડેજાએ પોતાના મિત્રના પિતાના મોતનું જવાબદાર તંત્રને ગણાવ્યું છે. યુવરાજ સિંહે ટ્વિટ કરીને લખ્યું, 'પરમમિત્ર યુવરાજસિંહ જાડેજાના પિતાશ્રી વનરાજસિંહ જાડેજા સાથે થયેલી આ ઘટનાને કુદરતી અકસ્માત કહેવું કે માનવસર્જિત અકસ્માત સમજાતું નથી. પરંતુ મિત્રના પરિવારે એક મોભ ગુમાવ્યો છે.'



જાડેજાએ તંત્રની ટીકા કરતાં કહ્યું, થોડા દિવસ પહેલાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો. થોડા વરસાદમાં જ અવર-જવર બંધ થઈ જાય, બાંધકામો એવા થઈ ગયાં કે પાણી નીકળવાના કોઈ રસ્તા શહેરમાં રહ્યાં જ નથી. ભૂગર્ભ ગટર વ્યવસ્થા સાવ ખાડે ગઈ છે. વરસાદ આવે તો ગટરમાંથી તો સામું પાણી બહાર આવે એટલી ગટર ઉભરાઈ જાય છે.


Google NewsGoogle News