રાજકોટ અગ્નિકાંડ ઇફેક્ટ: સરકારનો કલેક્ટરોને આદેશ, ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધો
Rajkot Game Zone Fire: રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં 28 લોકોના મોત નિપજતા અરેરાટી મચી જવા પામી હતી. આ ગોઝારા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. ત્યારે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા આદેશ કર્યો છે. જેને લઈને કલેક્ટરોએ જિલ્લા પોલીસ વડાને સૂચના આપી દીધી છે. જેમાં ગુના નોંધવા માટે સ્પષ્ટ ઉલ્લેખ કરી અને કડક પગલાં ભરવા આદેશ આપ્યા છે.
આ જાહેર સ્થળોની તપાસના આદેશ
રાજકોટની ઘટનાનું રાજ્યમાં ફરીથી પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરને કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે. જેમાં રાજ્યમાં તમામ શહેરના મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજ, મોલ, થિયેટર, ફૂડ માર્કેટ, વસ્તી ગીચતા ધરાવતા માર્કેટ, ગેમ ઝોન સહિતના તમામ સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે એ તમામ સ્થળોની તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.
ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધાશે
રાજ્ય સરકારને આદેશ અનુસાર, દરેક જગ્યાએ સ્થાનિક મામલતદાર-નાયબ મામલતદાર અને પોલીસ સંયુક્ત રીતે ચકાસણી કરવા જશે અને જે તે એકમમાં ફાયર NOCની ચકાસણી કરશે. જો કોઈ એકમ પાસે ફાયર NOC ન હોય તો તે એકમ સામે તાત્કાલિક ગુનો નોંધવા માટેની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. આ સૂચનાનો અમલ પણ તાત્કાલિક ધોરણે કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
6 સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર, બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઈન્સપેક્ટરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફ્ટી, એક્ઝિટ-એન્ટ્રી ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી. જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડના પીડિતોએ રૂપાલાને રીતસરના ઘેરી લીધા, કહ્યું- 'હું સતત તંત્રના સંપર્કમાં હતો'