રાજકોટ અગ્નિકાંડ: મૃત પુત્રના નામનું રટણ કરતા કરતા પિતાનું પણ મોત, પરિવાર પર આભ તૂટી પડ્યું
Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ દરમિયાન વધુ એક દુ:ખદ સમાચાર આવ્યા છે. આ અગ્નિકાંડમાં પુત્ર ગુમાવનારા પિતાનું મોત નીપજ્યું છે. જશુભા જાડેજાનું પુત્રના વિયોગમાં મૃત્યુ પામ્યું છે. તેમના પુત્ર વિશ્વરાજસિંહ જાડેજાનું અગ્નિકાંડમાં મોત થયું હતું.
પિતા દીકરાના નામનું રટણ કરતા હતા
મળતી માહિતી અનુસાર, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વિશ્વરાજસિંહ જાડેજાનું મૃત્યુ નીપજ્યું હતું. વિશ્વરાજસિંહ જાડેજા ટીઆરપી ગેમઝોનમાં નોકરીના પ્રથમ દિવસ હતો અને ત્યા વિકરાળ આગ લાગી, જેમાં તેમનું મોત થયું હતું. આશાસ્પદ વિશ્વરાજસિંહ જાડેજાના મોતથી તેમના પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે. પુત્રના નિધનથી પિતા જશુભા હેમુભા જાડેજા આઘાતમાં સરી પડ્યા હતા અને તેમની તબિયત પણ લથડી હતી. આ દરમિયાન છેલ્લા બે દિવસથી જશુભા જાડેજા દીકરાનાં નામનું રટણ કરી રહ્યા હતા. પુત્રના વિયોગમાં હવે પિતાએ પણ જીવ ગુમાવ્યો છે. પુત્ર બાદ પિતાનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો.
રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધરણા
ઉલ્લેખનીય છે કે, રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાને છે. સાતમી જૂને ત્રિકોણ બાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસે ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી સાથે અનેક કાર્યક્રરો જોડાયા હતા. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.'