રાજકોટ અગ્નિકાંડમાં ભાજપના કોર્પોરેટરની મુશ્કેલી વધી, ક્રાઈમ બ્રાન્ચે કરી પૂછપરછ
Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં ભાજપના વોર્ડ નં.13ના કોર્પોરેટર નીતિન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝડ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો. હવે આ મામલે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી નીતિન રામાણીની પૂછપરછ શરૂ કરી છે.
ગેમ ઝોનની એક વ્યક્તિએ રેગ્યુલરાઈઝડ કરવવાની ભલામણ કરી હતી
કોર્પોરેટર નીતિન રામાણીએ જણાવ્યું કે, 'વી.ડી.થી ઓળખાતી ગેમઝોનની એક વ્યક્તિ મારા ઓળખાણમાં હોય તેમની ભલામણથી ટીઆરપી ગેમઝોનના પ્રકાશભાઈ (જૈન)એ મને આ બાંધકામ રેગ્યુલરાઈઝડ કરાવવું છે તેવી વાત મને મળીને કરી હતી. જે અન્વયે મે વાણિયાવાડી વિસ્તારમાં કાર્યરત અને બાંધકામ પ્લાનનું કામકાજ કરતા આર્કિટેક્ટ એન્જિનિયર નિરવ વરૂને આ કામ કરવા ભલામણ કરી હતી.
ગેમઝોનને ડિમોલીશનની નોટિસ અપાયેલી હતી
તેમણે એમ પણ કહ્યું કે આર્કિટેક્ટ વરૂને જ્યારે આ કામ કરવા ભલામણ કરી ત્યારે તેણે એમ પણ કહ્યું હતું કે આ ગેમઝોનને ડિમોલીશનની નોટિસ અપાયેલી છે. કામ આગળ વધતા જ્યારે તેમણે આર્કિટેક્ટ સાથે વાત કરી ત્યારે કોર્પોરેટરને એમ પણ જણાવાયું હતું કે ગેમઝોનના સંચાલકો-માલિકો દ્વારા જમીનના આધાર-પૂરાવા, બાંધકામનો પ્લાન સહિતના કોઈ પૂરાવા રજૂ કર્યા ન્હોતા તે કારણે ઈમ્પેક્ટ ફી હેઠળ આ ફાઈલ મંજૂર થઈ નહતી.