રાજકોટ અગ્નિકાંડ મામલે કોંગ્રેસના ધરણા: મેવાણીએ કહ્યું- તપાસ આ અધિકારીઓના હાથમાં આપો
Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાને છે. ત્યારે આજે (સાતમી જૂન) ત્રિકોણ બાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસે ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. જેમાં કોંગ્રેસ નેતા જિજ્ઞેશ મેવાણી સાથે અનેક કાર્યક્રરો જોડાયા હતા. આ દરમિયાન જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે સુભાષ ત્રિવેદી જેમના વડા છે એવી સ્પેશિયલ ભીનું સંકેલો સમિતિ અમારે જોઈતી નથી. જો SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમુદાર અને સુધા પાંડે જેવા પ્રામાણિક અને મજબૂત અધિકારી ન હોય તો ન્યાય મેળવાની આશા પીડિતો કે અમને ન હોઈ શકે, જેથી આ પ્રકારના અધિકારીઓની SIT બનાવવામાં આવે એ જરૂરી છે.'
પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે: કોંગ્રેસ
કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, 'દોઢથી બે વર્ષમાં જ ટ્રાયલ પૂરી થાય અને પીડિતોના પરિવારોને ન્યાય મળે એ માટે આજથી ત્રણ દિવસ રાજકોટ શહેરના ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ધરણાં અને ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યાં છે. જ્યાં સુધી પીડિતોના પરિવારને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડી લેવાના નિર્ધાર સાથે અહીં બેઠા છીએ.' આ ઉપરાંત કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી છે કે, પીડિત પરિવારોને ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. સરકારના ભ્રષ્ટ તંત્રને કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે દરેક પીડિત પરિવારોને 1 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે.
અગ્નિકાંડમાં મોટો ઘટસ્ફોટ
રાજકોટ અને સરકારની એમ બે 'SIT'ના તપાસનીશ પોલીસ અફસરો દ્વારા રાજકોટના અગ્નિકાંડમાં હજુ સુધી પોલીસના કોઈ અધિકારી કે ભાજપના કોઈ પદાધિકારીઓ કે ઉચ્ચ આઈ.એ.એસ., આઈ.પી.એસ. અધિકારીઓની જવાબદારી ફીક્સ કરી નથી, ત્યારે બીજી તરફ આજે રાજકોટ મહાપાલિકાના ભાજપના વોર્ડ નં.13ના કોર્પોરેટર નિતીન રામાણીએ પોતાને આ ગેરકાયદે બાંધકામની જાણ હતી અને તેને ઈમ્પેક્ટ ફીના કાયદા હેઠળ રેગ્યુલરાઈઝડ કરાવવા તેમણે આર્કિટેક્ટને ભલામણ કર્યાનો ઘટસ્ફોટ કર્યો હતો.