રાજકોટ અગ્નિકાંડ: કોંગ્રેસના ધરણાનો બીજો દિવસ, મેવાણીએ કહ્યું- સરકાર અને પોલીસનું પાણી હલતું નથી
Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ મેદાને છે. ત્રિકોણ બાગ ખાતે પીડિત પરિવારોની સાથે કોંગ્રેસે ધરણાં અને ઉપવાસ આંદોલનનો આજે (આઠમી મે) બીજો દિવસે છે. વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ SITમાં નોન કરપ્ટ અધિકારીઓને સામેલ કરવાનું માંગ કરી છે. તેમણે કહ્યું કે, 'ન્યાયની લડતમાં કોંગ્રેસ પક્ષ અને મંચ પરના બધા નાગરિકો એક ટકો પણ સમાધાન કરવાના નથી. આ ઉપવાસનો બીજો દિવસ છે અને હજુ સુધી રાજ્ય સરકાર અને પોલીસનું પાણી હલતું નથી.'
જિજ્ઞેશ મેવાણીએ ભાજપ કર્યા પ્રહાર
કોંગ્રેસના નેતા જિજ્ઞેશ મેવાણીએ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર પણ પ્રહાર કહ્યું કે, 'વિજય રૂપાણી એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી. આટલો સ્વાર્થી માણસ. જે રાજકોટ શહેરે મુખ્યમંત્રી બનાવ્યા, તે 8-10 વર્ષના બાળકોના મોત થયા તોય એક પણ ધારાસભ્ય આવતો નથી. 26 સાંસદ હતા તે પણ પરિવારના ખબર અંતર પૂછવા નથી આવતા. કોઇને પીડિતોની પરવા નથી.'
કોંગ્રેસના નેતાએ કહ્યું કે, 'SITના નામે ડિંડક ચાલી રહ્યું છે અને અમારૂ આંદોલન ત્યાર સુધી નહીં રોકાય જ્યા સુધી સચોટ અને નોન કરપ્ટ અધિકારીને SITમાં લેવામાં ના આવે.'
રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત
રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું. રાજ્યના મોટા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને જવાબદાર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.