રાજકોટ અગ્નિકાંડ: છૂટા પડી ગયેલા એ સાત પગ કોના હશે એની ઓળખ કરવામાં મૂંઝવણ
Rajkot Game Zone Fire : રાજકોટનાં ટીઆરપી મોલમાં થયેલા અગ્નિકાંડમાં ફાયર બ્રિગેડ અને પોલીસને શરીરથી છૂટા પડી ગયેલા સાત પગ મળ્યા છે. આ પગ કોના એ મુદ્દે પોલીસ મૂંઝવણમાં છે કેમ કે ડીએનએ ટેસ્ટમાં આ પગના ડીએનએ પોતાનાં સ્વજનો ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવનારાં લોકોમાંથી કોઈની સાથે મેચ થતા નથી. આ પગ ગેમ ઝોનમાં કામ કરતા બીજાં રાજ્યોના છોકરાઓના હોવાની શક્યતા છે. એકલા જ રહેતા આ છોકરાઓના પરિવારજનો હાજર નથી તેથી તેમની ઓળખ થવામાં મુશ્કેલી પડી રહી છે.
ગેમ ઝોનમાં કામ કરતા બીજા રાજ્યના લોકોના હોવાની શક્યતા
ડીએનએ મેચ કરવાની કામગીરી ગાંધીનગરની ન્યાય સહાયક વિજ્ઞાાનની કચેરીના ડીએનએ વિભાગમાં ચાલી રહી છે. આ કામગીરી કરી રહેલા કર્મચારીઓનું કહેવું છે કે, આવો ભયંકર અકસ્માત અને આ પ્રકારનાં ડીએનએ સેમ્પલ અમે જિંદગીમાં કદી જોયાં નથી. ગેમ ઝોનમાં ગો-કાર્ટ માટેના મેદાનમાં વચ્ચે વચ્ચે ટાયરો ગોઠવાયેલાં હતાં. આગની દુર્ઘટનાનો ભોગ બનેલાં લોકોનું માંસ આગમાં ભૂંજાઈને કાળું પડી ગયું હતું. ટાયરો પર માંસના લોચેલોચા ચોંટેલા મળ્યા છે. આ માંસના લોચા એક જ વ્યક્તિના નથી પણ અલગ અલગ વ્યક્તિના છે. કાળાં કલરના ટાયર પર ભૂંજાઈને કાળાં થયેલા માંસના લોચામાંથી ડીએનએ ટેસ્ટ માટે સેમ્પલ લેવાનું કામ બહુ કપરું છે એવું ડીએનએ વિભાગનાં સૂત્રોનું કહેવું છે. રાજકોટનાં ટીઆરપી મોલમાં થયેલા અગ્નિકાંડમાં 28 લોકોનાં મોત થયાં હોવાનું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. પોતાનાં સ્વજનો ગુમ થયાં હોવાની ફરિયાદ નોંધાવવારાં લોકોનાં ડીએનએ રીપોર્ટ કરાયા તેમાં 14 લોકોનાં ડીએનએ સેમ્પલ મેચ થઈ જતાં તેમની ઓળખ થઈ ગઈ છે. પોલીસ આ ડીએનએ ટેસ્ટના આધારે સ્વજનોને મૃતદેહો સોંપ્યા છે
ગેમ ઝોનમાં બ્લાસ્ટ પણ થયો હતો ?
રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં વેલ્ડિંગ કરતાં આગ લાગી હતી એવો દાવો કરાયો છે. અલબત્ત જે રીતે મૃતકોના પગ અલગ પડી ગયા છે અને માંસના લોચા પણ ઉડેલા છે એ જોતાં બ્લાસ્ટ થયો હોવાની શક્યતા નકારી ના શકાય. પોલીસે સત્તાવાર રીતે આગનું કારણ જ આપ્યું છે પણ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે. એસઆઈટીની તપાસમાં બ્લાસ્ટ થયો છે કે નહીં એ સ્પષ્ટ થઈ જશે.
રાજીવ ગાંધીની હત્યાની ઘટના યાદ આવી ગઈ
રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડે સ્વ. રાજીવ ગાંધીની હત્યાની ઘટનાની યાદ અપાવી દીધી એવું એક અધિકારીનું કહેવું છે. તમિલનાડુના શ્રીપેરુમ્બુદુરમાં આત્મઘાતી બોમ્બર થેનમોઝી રાજરત્નમે 21 મે, 1991ના રોજ બ્લાસ્ટ કરીને રાજીવની હત્યા કરી નાંખી હતી. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, રાજીવના શરીરના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. રાજીવે પહેરેલા શૂઝના આધારે તેમના મોતને સમર્થન અપાયું હતું. એ વખતે રાજીવના શરીરના અલગ અલગ ભાગ અને માંસના લોચા ભેગા કરીને તેમના અંતિમસંસ્કાર કરાય હતા. રાજકોટ કાંડમાં મોટા ભાગના મૃતકોના આ જ હાલ છે.
અમદાવાદમાં ચાલતા નાના ગેમઝોનનો સર્વે કરી રિપોર્ટ આપવા આદેશ
અમદાવાદના વિવિધ વિસ્તારમા ચાલતા ગેમ ઝોનમાં ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ મ્યુનિ.ની ટીમ દ્વારા બે દિવસ તપાસ કરવામા આવી હતી. મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં મંગળવારે કમિશનરે શહેરના 48 વોર્ડમાં જયાં પણ નાના ગેમઝોન ચાલતા હોય તેવા ગેમઝોનનો સર્વે કરી બે દિવસમાં રીપોર્ટ સબમીટ કરવા અધિકારીઓને આદેશ આપ્યો હતો.