46 દિવસ બાદ સરકારને રાજકોટ અગ્નિકાંડ પીડિતોની યાદ આવી, રાહુલ ગાંધીની મુલાકાતની 'ઈફેક્ટ'

Updated: Jul 11th, 2024


Google NewsGoogle News
Rajkot Game zone fire tragedy Gujarat government
Image : file pic

Rajkot Game Zone Fire: રાજકોટ ટીઆરપી ગેમઝોન (TRP Game Zone) અગ્નિકાંડના પીડિત પરિવારોએ લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી ન્યાયની ગુહાર લગાવી હતી. રાહુલ ગાંધીએ પણ સંસદમાં આ મુદ્દો ઉઠાવવા ખાતરી આપી હતી. આ ઘટના બાદ ગુજરાત સરકારે પણ પીડિતોને સામે ચાલી ગાંધીનગરનું તેડુ મોકલ્યુ હતું. ટૂંકમાં, દોઢ-બે મહિના બાદ સંવેદનશીલ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિતો પ્રત્યે અચાનક પ્રેમ ઉભરાયો હતો. 

સહાનુભૂતિ મેળવવા સરકારે રાજકીય ડ્રામાબાજી કરી

ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને પીડિત પરિવારોના આંસુ લૂછી સહાનુભૂતિ મેળવવા સરકારે રાજકીય ડ્રામાબાજી કરી હતી. રાજકોટ અગ્નિકાંડમાં જે રીતે તપાસનો દોર આગળ ધપી રહ્યો છે તે જોતાં ખુદ પીડિત પરિવારોએ ન્યાયની આશા ગુમાવી દીધી છે. એટલુ જ નહીં. આ સંવેદનશીલ મુદ્દામાં ય સરકાર જાણે સંવેદનહીન બની હોય તેવો આમ જનતાને આભાસ થઈ રહ્યો છે. આ જોતા કોંગ્રેસે આપેલાં બંધને વ્યાપક સફળતા મળી હતી. 

ભાજપના એકેય પદાધિકારી પાસે સમય જ નથી

આ ઉપરાંત આ જ પીડિત પરિવારને રાજકોટના ભાજપના ધારાસભ્ય, મ્યુનિ.કોર્પોરેટર કે પદાધિકારીઓ આજ દીન સુધી મળ્યા નથી. એકેય પીડિત પરિવારના ઘેર સાંત્વના આપવા કોઈ ફરક્યુ ન હતુ. ન્યાય માટે ભટકતાં પીડિત પરિવારોના આંસુ લૂછવા ભાજપના એકેય પદાધિકારી પાસે સમય જ નથી. આ સંજોગોમાં અમદાવાદની મુલાકાતે આવેલાં લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારોને મળીને ન્યાયની લડાઈમાં લડત લડવા ખાતરી આપી હતી. 

સરકારને જાણે અચાનક જ સંવેદના જાગી

આ ઘટના બાદ અચાનક જ ભાજપ સરકારને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારોની યાદ આવી હતી. બુધવારે (10 જુલાઈ) રાજ્ય સરકારે સામે ચાલીને પીડીત પરિવારોને ગાંધીનગરનું તેડુ મોકલ્યું હતું. પીડિત પરિવારોને જે ફરિયાદ હોય તેની વાત કરવા સરકારે મુખ્યમંત્રી નિવાસસ્થાને તેડાવ્યા હતાં. સરકારને જાણે અચાનક જ સંવેદના જાગી હતી. પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ-પ્રેમ ઉભરાયો હતો. જોકે, મોટા ઉપાડે પીડિત પરિવારોને તેડાવ્યાં ખરાં પણ જે માંગણી કરાઈ તે જોતાં ખુદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ અસમંજશમાં મૂકાયા હતાં કેમકે, માંગ એ હતી કે, જવાબદાર ધારાસભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેટરો અને ભાજપના પદાધિકારીઓ સામે ગુનો નોંધી ધરપકડ કરો. એટલુ જ નહીં, આરોપીઓને મૃત્યુદંડની સજા કરો, જવાબદાર IAS-IPSની મિલ્કતો જપ્ત કરો, સીબીઆઈ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરો. 

આ માત્ર સહાનુભૂતિના ડ્રામા સિવાય કશું નથી

પીડિતોની માંગને જોતાં સરકાર જાણે ઉલમાંથી ચૂલમાં પડી હોય તેવી સ્થિતી સર્જાઈ હતી. સ્વભાવિક રીતે સરકાર આ માંગણીઓ સ્વીકારી શકે તેમ નથી કેમકે, ભાજપના પદાધિકારી-ભ્રષ્ટ અધિકારીઓને પકડવાની સરકારમાં હિંમત જનથી. આ માત્ર સહાનુભૂતિના ડ્રામા સિવાય કશું નથી. નક્કર પગલાં ભરવા સરકાર અસમર્થ છે તે જગજાહેર છે. પીડિતોએ એ માંગ પણ કરીને, કસૂરવાર અધિકારીઓને સસ્પેન્ડ નહીં, જેલ ભેગાં કરો. આનો અર્થએકે, હજુય સરકાર અસરકારક પગલાં ભરવાના મતમાં નથી. ખુદ હાઈકોર્ટની ફટકાર પછીય સરકાર આ પ્રકરણમાં લીપાપોતી કરવા ઉધામા કરી રહી છે. 

હવે પીડિતોને કેમ યાદ આવી તે ચર્ચાનો વિષય બન્યો

અગ્નિકાંડની ઘટના બની ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી રાતોરાત રાજકોટ દોડી ગયા હતાં. કોઈ ચમરબંધીને નહીં છોડાય તેવા તકિયા કલામ બોલીને તરત જ ગાંધીનગર પરત ફર્યા હતાં. તે વખતે પીડિત પરિવારોની કોઈ વાત સાંભળી ન હતી. આજે જયારે આ ઘટનાને દોઢ-બે મહિના વિત્યા. હવે સરકારને અચાનક જ પીડીતોને કેમ યાદ આવી તે ચર્ચાનો વિષય બન્યો છે.  ઉલ્લેખનીય છેકે, ઉત્તરપ્રદેશ હાથરસ દુર્ઘટનામાં સરકારે નિમેલી સીટે માત્ર એક જ સપ્તાહમાં ૩૦૦ પાનાનો રિપોર્ટ સુપરત કરી દીધો હતો. એટલું જ નહીં, આ રિપોર્ટ આધારે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરાઈ છે. પણ કરુણતા એ છેકે, રાજકોટ અગ્નિકાંડમાં આજે દોઢ-બે મહિનાનો સમય વિતવા આવ્યો છે. હજુ તપાસ કમિટીના રિપોર્ટના ઠેકાણાં નથી. 

હજુ સરકારને રિપોર્ટ સોંપાયો નથી

સરકારે ચાર-ચાર તપાસ કમિટી નિમી છે. પણ હજુ સરકારને રિપોર્ટ સોંપાયો નથી. મહત્વની વાત એછેકે, રિપોર્ટમાં ય આઈપીએસ-આઈએએસ કે ભાજપના પદાધિકારીની કોઈ જવાબદારી નક્કી થાય તેમ નથી. ટૂંકમાં ભાજપ સરકાર ભ્રષ્ટ અધિકારી-તંત્રને કિલનચીટ આપી દેવા ઉધામા મચાવી રહી છે પણ સાથે સાથે પીડિતોના હમદર્દ હોવાનો ડોળ પણ કરી  રહી છે.

તો રાજકોટથી ગાંધીનગર સુધીની કૂચ કરાશે

પીડિત પરિવારોએ મુખ્યમંત્રી સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુંકે, દોઢ મહિના બાદ સરકારે અમને અમારી વાત રજૂ કરવા ગાંધીનગર બોલાવ્યા છે. જે અમારા મુદ્દા સરકાર નહીં સ્વીકારે તો રાજકોટથી ગાંધીનગર સુધીની કૂચ કરીશું. આ ઉપરાંત ન્યાય મેળવવા આંદોલન પણ કરીશું. કસૂરવાર અધિકારીને માત્ર સસ્પેન્ડ કરીને દેખાડો કરશો નહીં, સરકારી નોકરીમાંથી ડિસમીસ કરો અને જેલમાં ધકેલો.

46 દિવસ બાદ સરકારને રાજકોટ અગ્નિકાંડ પીડિતોની યાદ આવી, રાહુલ ગાંધીની મુલાકાતની 'ઈફેક્ટ' 2 - image


Google NewsGoogle News