ગુજરાતમાં ફરી જામ્યો વરસાદી માહોલ: નડિયાદમાં સૌથી વધુ 5 ઇંચ, 12 જિલ્લામાં રેડ ઍલર્ટ
Rain Alert in Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ સ્થિતિ કાબૂમાં આવી અને વરસાદી પાણી ઓસર્યા, ત્યાં તો ફરી એકવાર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી અમદાવાદમાં કાળાડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. 10 વાગે પણ વહેલી સવારના 5 વાગ્યા જેવો માહોલ હતો. વહેલી સવારથી ધીમી ધારે શરુ થયેલા વરસાદે જમાવટ કરતાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
આજે વહેલી સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં મહીસાગરના વીરપુર તાલુકામાં 1.26, લુણાવાડા તાલુકામાં 3.74, ખાનપુર તાલુકામાં 1.57 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં 1.85 ઇંચ, મેઘરજ તાલુકામાં 1.73 ઇંચ વરસાદ ખાબક્યો છે.
જો રાજ્યની વાત કરવામાં આવે તો ગત 24 કલાકમાં રાજ્યના 116 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નડિયાદમાં નોંધાયો છે. જ્યારે સંતરામપુર, દાહોદ, ઝાલોદ, મહુધા, ખેડાના વસોમાં 3 ઇંચ અને લુણાવાડા, કડાણા અને ફતેપુરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
સાબરકાંઠા પંથકમાં વરસાદ ખાબકતાં નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. તો બીજી તરફ રાજસ્થાનના અનેક વિસ્તારમાં વરસાદ ખાબકતાં પણ સાબરકાંઠાની નદીઓમાં નવા નીર ઉમેરાયા છે. વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ ઑફિસે જવા નીકળેલા લોકો અને વિદ્યાર્થીઓને થોડો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગુજરાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો
ગુજરાતમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે ઘણી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે અનેક જળાશયોના જળસ્તરમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશ અને ઓડિશામાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મધ્ય મહારાષ્ટ્ર, દક્ષિણ રાજસ્થાન, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઝારખંડના ભાગો અને ગંગાના વિસ્તાર, પશ્ચિમ બંગાળમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો.
29મી જુલાઈની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાય દિવસથી દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, આજે (29મી જુલાઈ) કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ સિવાયના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
30મી અને 31મી જુલાઈ દરમિયાન માત્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં નવસારી અને વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં છેલ્લાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વરસાદ
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 12.40 ઇંચ સાથે સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2023માં 28મી જુલાઈ સુધી 23.77 ઇંચ સાથે સરેરાશ 74.54 ટકા જ્યારે વર્ષ 2022માં 26.73 ઇંચ સાથે 85.33 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે.
અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઇંચ સાથે સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે 13.45 ઇંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઇંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.