તાપીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
Rain


Heavy Rain In Gujarat : રાજ્યમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે(26 જુલાઈ) તાપી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેમાં ઝાખરી, વ્યારા, વાલોડ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે ઝાખરી અને વાલ્મિકી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું છે.

તાપીમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી 

તાપીમાં ભારેથી અતિભારે વરસાદને પગલે વ્યારાના માર્ગ પર, વાલોડના પ્રસિદ્ધ ગણપતિ મંદિર, એસજી હાઈસ્કૂલ સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તાપીમાં ભારે વરસાદની સ્થિતિમાં પાણીના પ્રવાહમાં ઢોર ઢાંખર તણાયા હોવાનું જાણવા મળ્યું છે. ધોધમાર વરસાદથી છીડિયા ગામ, પેરવડ ગામ અને કાંજણ ગામની પંચાયતમાં પાણી ભરાયા છે.

મધ્ય ગુજરાત સહિત વડોદરામાં બે દિવસથી વરસેલા ભારે વરસાદના લીધે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના લીધે શહેરી વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદને પગલે નવસારીમાં પૂર્ણા નદીમાં પાણીની આવક થતાં નવસારી સહિત આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પિનસાડ સહિતના કેટલાક ગામોમાં પાણી ફરી વળતાં સંંપર્ક વિહોણા બન્યા છે.

વિશ્વામિત્રી નદી છલકાતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં

ઉલ્લેખનીય છે કે વર્ષાઋતુના પ્રારંભિક દિવસોમાં વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદની ખૂબ જ ઘટ હતી. પરંતુ બુધવારે મેઘાએ વડોદરા શહેર-જિલ્લાને ધમરોળતા અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે આજવા સરોવર, પ્રતાપપુરામાં પાણીની સપાટી ઝડપભેર વધી રહી હતી. પરિણામે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેથી વિશ્વામિત્રી નદીની સપાટી એકદમ ઝડપથી વધવા માંડી હતી અને ભયજનક સપાટીથી ત્રણ ફૂટથી વધીને 29 ફૂટે વહેવા માંડી હતી. પરિણામે અનેક નીચાણવાળા વિસ્તારોમાં તથા આસપાસના ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતા.

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

નવસારીમાં ભારે વરસાદને લીધે પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. આ ઉપરાંત અડદા ગામમાં પાંચ લોકો ફસાઈ જતાં ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. નદીઓની જળ સપાટીમાં વધારો થતા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરવામાં આવી છે. પૂર્ણા નદીની જળસપાટી ભયજનક સપાટી કરતાં ઉપર જતાં પૂરના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસ્યા હતા. ઘરો તથા અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. જ્યારે નવસારીના ભેંસદ ખાડા વિસ્તારના ઘરોમાં પાણી ભરાતાં 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

તાપીમાં ધોધમાર વરસાદ બાદ નદીઓએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ 2 - image



Google NewsGoogle News