અમદાવાદમાં છથી સાત સ્થળે ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના દરોડા
કોડિનનો ગેરકાયદે વેપાર, ૫૦ લાખ બોટલ પકડાઈ
સુકનમોલના એક કેમિસ્ટના કેમિસ્ટ પાસેથી માનસિક રોગની દવાની ડુપ્લિકેટ મળ્યાની આશંકા, ઉત્પાદકે હાથ ઊંચા કર્યા
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શુક્રવાર
ગુજરાત સરકારના ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીએ શુક્વારથી અમદાવાદના છથી સાત કેમિસ્ટો પર દરોડા પાડયાા છે. અમદાવાદમાં સિમ્સ હોસ્પિટલ નજીક સુકન મોલમાં આવેલા કેમિસ્ટની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં આંચકીમાં વપરાતી લાવિરીલ -૫૦૦ તરીકે ઓળખાતી અને વાઈ કે આંચકીના દરદીઓને આપવામાં આવતી દવા પકડાઈ છે. તદુપરાંત ગર્બ રહ્યા પછી વારંવાર ગર્ભપાત થઈ જતો હોય તેને ટકાવી રાખવા માટેની દવાઓ પણ આ દરોડામાં પકડાઈ છે. તેમાં નકલી દવાઓ આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ દવા ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના અપાતી નથી. પરંતુ તેના વિના જ તેનો વેપાર ચાલી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદના અન્ય છથી સાત કેમિસ્ટો પર આા પ્રકારે દરોડા પાડવામાં આવ્યા છે.
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાંથી ઝડપાયેલા કેમિસ્ટ કોરોના કાળ વખતે પણ ઝડપાયા હતા કેટલીક દવાઓ ગેરકાયદે વેચતા હોવાથી તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. પરંતુ તેમનું લાઇસન્સ રદ ન કરાયું હોવાથી આ ધંધાથી તેઓ દૂર ભાગ્યા ન હોવાનું માનવામાં આવે છે. સતત આ પ્રકારના ધંધા કરી રહ્યા છે.
અમદાવાદ ઉપરાંત સુરત, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના સંખ્યાબંધ વિસ્તારોમાં આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું દરોડા વિભાગના અધિકારીઓનું કહેવું છે. તેમનું કહેવું છે કે તેમની પાસેથી સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. પરંતુ તેના લેબોરેટરી ટેસ્ટના પરિણામો આવે તે પછી અમે તે અંગેની જાહેરાત કરી શકીએ છીએ. ફૂડ એન્ડ ડ્રગ કમિશનર હેમંત કોશિયાનું કહેવું છે કે દરોડા પડયા છે. પરંતુ તેનો રિપોર્ટ હજી તેમના સુધી પહોંચ્યો નથી.
બીજીતરફ છેલ્લા અઠવાડિયા દરમિયાન કોડિનના ગેરકાયદેસર વેપાર સામે ચલાવવામાં આવેલી ઝુંબેશ દરમિયાન વડોદરામાં કોડિનનો ગેરકયદે વેપાર કરનારા ઝડપાયા છે. તેમણે અંદાજે ૫૦ લાખથી વધુ કોડિન બોટલનો ગેરકાયદે વેપાર કર્યો હોવાનું બહાર આવ્યું છે. લોહાણા સંતના નામથી ઓળખાતી આ દુકાનમાંથી ગેરકાયદે કોડિનનો સપ્લાય થતો હોવાનું ફૂડ એન્ડ ડ્રગ કમિશનરની કચેરીના ધ્યાનમાં આવ્યું છે.
(બોક્સ)
ગેરકાયદે કામ કરનારા કેમિસ્ટના લાઈસન્સ રદ કરી દો
અખિલ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેસનના જશુ પટેલનું કહેવું છે કે આ પ્રકારે ગેરકાયદે વેપાર કરવા માટે પકડાયા પછી કેમિસ્ટના લાઈસન્સ રદ કરી દેવાની કાર્યવાહી કરવામાં આવતી જ નથી. પરિણામે થોડા સમયમાં તે કેમિસ્ટ ફરીથી ગેરરીતિ આચરતો થઈ જાય છે. તેમને આ ગેરકાયદે વેપારથી દૂર રાખવા માટે તેમના લાઈસન્સ રદ કરવાની પ્રક્રિયા કરવી જરૃરી છે.