Get The App

આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી, કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવા પ્રોજેક્ટની કરાવશે શરૂઆત

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
Rahul Gandhi in Gujarat


Rahul Gandhi on Gujarat Visit : લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી ( 15 એપ્રિલ ) બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા કોંગ્રેસના માળખામાં પુનઃપ્રાણ નાંખવા માટે એક પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત થશે. ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ દાયકાથી સત્તાથી બહાર એવામાં ફરી જનાધાર મજબૂત કરવા માટે રાહુલ ગાંધીએ કમર કસી છે. રાહુલ ગાંધીનું માનવું છે કે જિલ્લા અને બ્લોક સ્તરથી કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાની જરૂર છે. 

અમદાવાદમાં મહત્ત્વપૂર્ણ બેઠક

રાહુલ ગાંધી સૌથી પહેલા અમદાવાદમાં એક બેઠકમાં સામેલ થશે જેમાં AICCના 42 તથા PCCના 183 ઑબ્ઝર્વર હાજર હશે. 12મી એપ્રિલે જ આ તમામ ઑબ્ઝર્વરની નિયુક્તિ કરવામાં આવી છે. કોંગ્રેસ ગુજરાતનાં તમામ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરશે. આ જિલ્લા પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયા પર ઑબ્ઝર્વર નજર રાખશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, 'આ તમામ ઑબ્ઝર્વર સ્થાનિક લેવલે પ્રમુખની નિયુક્તિની પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા નિભાવશે.' 

અરવલ્લીથી કયા પ્રોજેક્ટની શરૂઆત કરાવશે રાહુલ ગાંધી?

આવતીકાલે 16મી એપ્રિલે રાહુલ ગાંધી અરવલ્લી જિલ્લામાં પહોંચશે જ્યાં કાર્યકર્તાઓને સંબોધિત કરશે અને પાયલોટ પ્રોજેક્ટની સત્તાવાર શરૂઆત કરાવશે. જો ગુજરાતમાં આ પ્રોજેક્ટ સફળ જાય તો આગામી સમયમાં અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર રાહુલ ગાંધી કોંગ્રેસ સંગઠનમાં જિલ્લા પ્રમુખોને મહત્ત્વપૂર્ણ સત્તા આપવા માંગે છે. જે અનુસાર પહેલા જે રાજ્યોમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત નથી ત્યાં સ્થાનિક લેવલ પર બ્લોક પ્રમુખ અને જિલ્લા પ્રમુખની નિયુક્તિ કરીને કાર્યકર્તાઓને ઉત્સાહમાં લાવવા પ્રયાસ કરાશે. બાદમાં જ્યારે પણ ચૂંટણી થાય ત્યારે ટિકિટ નક્કી કરવામાં આ જ જિલ્લા પ્રમુખની સલાહ લેવામાં આવશે. 

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ આઠ અને નવ એપ્રિલે ગુજરાતનાં અમદાવાદમાં જ કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાયું હતું, જેમાં કોંગ્રેસના તમામ દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો બાદ કોંગ્રેસ ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ કરી રહી છે. માર્ચ મહિનામાં પણ રાહુલ ગાંધીએ ગુજરાતની મુલાકાત લીધી હતી. અગાઉ લોકસભામાં સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને પડકાર ફેંક્યો હતો કે ગુજરાતમાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસની જીત થશે. 

Tags :