ફુડ વિભાગની કામગીરી સામે સવાલ , નારણપુરાની હોટલના વ્હાઈટ પાસ્તામાંથી જીવાત નીકળતા ફરિયાદ
નવુ ફુડ આપવાની અને પૈસા પરત કરવાની ઓફર યુવતીએ નકારી દીધી
અમદાવાદ,સોમવાર,18 ડીસેમ્બર,2023
અમદાવાદના નારણપુરામાં આવેલી મારુતિનંદન હોટલમાંથી
મંગાવવામાં આવેલા વ્હાઈટ પાસ્તામાંથી જીવાત નીકળતા યુવતીએ ઓનલાઈન ફુડએપ ઉપર ફરિયાદ
કરી હતી.યુવતીએ આ મામલે હોટલના સંચાલકોનો સંપર્ક કરતા સંચાલકો દ્વારા નવુ ફુડ
આપવાની અને પૈસા પરત આપવા જેવી ઓફર કરાઈ હતી જેને નકારી દેવામાં આવી હતી.છેલ્લા
કેટલાક સમયમાં આ પ્રકારની ફરિયાદના વધતા જતા બનાવને લઈ મ્યુનિ.ફુડ વિભાગની કામગીરી
સામે અનેક સવાલ લોકો દ્વારા કરવામાં આવી રહયા છે.
નારણપુરામાં આવેલી મારુતિનંદન હોટલમાંથી એક યુવતી દ્વારા
ઓનલાઈન ફુડએપ ઉપરથી સ્પેશિયલ મારુતિનંદન સીઝલર ઓર્ડર કર્યો હતો.સિઝલરમાં વ્હાઈટ
પાસ્તાના બદલે રેડ પાસ્તા આવતા હોટલનો આ મામલે સંપર્ક કરવામાં આવ્યો હતો.બાદમાં
હોટલ તરફથી બે ડબ્બા વ્હાઈટ પાસ્તાના મોકલવામાં આવતા પાસ્તાનો અડધો ડબો પુરો થયો એ
સમયે જીવાત જોવા મળી હતી.હોટલના કર્મચારીઓએ યુવતી સુધી પહોંચી જઈ તેને સમજાવવા
પ્રયાસ કર્યા હતા.યુવતીએ આ મામલે ઓનલાઈન ફુડ ઝોમેટોને પણ ઈમેઈલથી ફરિયાદ કરી છે.