Get The App

ગુજરાતમાં 24-25 જાન્યુઆરીની રાતે જોવા મળશે પાંચ-ગ્રહોની ભવ્ય પરેડ, જાણો અવકાશી ભવ્યતા કઈ રીતે અને ક્યાં જોઈ શકાશે

Updated: Jan 24th, 2025


Google NewsGoogle News
ગુજરાતમાં 24-25 જાન્યુઆરીની રાતે જોવા મળશે પાંચ-ગ્રહોની ભવ્ય પરેડ, જાણો અવકાશી ભવ્યતા કઈ રીતે અને ક્યાં જોઈ શકાશે 1 - image


Astronomical Event In Gujarat: 24 અને 25 જાન્યુઆરી, 2025ના રોજ ગુજરાતમાં રાત્રે આકાશમાં એક દુર્લભ અને નોંધપાત્ર ખગોળીય ઘટના બનવા જઈ રહી છે. ઘટના એવી છે કે સૂર્યની આસપાસ ફરતા આઠ ગ્રહોમાંથી પાંચ ગ્રહો એક સીધી લીટીમાં ગોઠવાઈ રહ્યા છે. જનતા આ ભવ્ય આકાશી પરેડ જોઈ શકે એ માટે ગુજરાત રાજ્યની વિવિધ વિજ્ઞાન સંસ્થાઓ જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન કરી રહી છે. 

પ્લેનેટરી પરેડનું વૈજ્ઞાનિક મહત્ત્વ

એકથી વધુ ગ્રહો જ્યારે આકાશના એક જ ક્ષેત્રમાં સંરેખિત થાય છે ત્યારે ગ્રહોની પરેડ સર્જાય છે. આ વખતે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ એમ પાંચ ગ્રહો એક રેખામાં સ્થાન ગ્રહણ કરીને એક આકર્ષક અવકાશી દૃશ્ય સર્જશે. ગ્રહોની ગતિ અને આપણા સૌરમંડળની વિશાળતાનું અવલોકન કરવા-જાણવાની અનન્ય તક આપતા હોવાથી આવા સંરેખણ શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ નોંધપાત્ર ગણાય છે. આ પ્રકારની પરેડને લીધે લોકોની ખગોળશાસ્ત્રમાં રુચિ વધતી હોય છે. 

અવકાશી નજારો જોવા માટે શું કરશો?

- આ પરેડ નિહાળવા માટેનો શ્રેષ્ઠ સમય તા. 24 અને 25 જાન્યુઆરીના રોજ રાત્રે 7થી 10 વાગ્યા સુધીનો રહેશે. હવામાન સ્વચ્છ રહ્યું તો એકદમ સ્પષ્ટ નજારો નિહાળી શકાશે.

- સૌથી ઉત્તમ નજારો માણવો હોય તો શહેરના પ્રકાશિત વાતાવરણથી દૂર જઈને જોવું. અંધારું હોય એવા સ્થળેથી સવિશેષ સુંદર નજારો જોવા મળશે. 

- આમ તો આ ગ્રહ-પરેડ નરી આંખે પણ જોઈ શકાશે, પણ દૂરબીન કે ટેલિસ્કોપ દ્વારા જોવાય તો ઘણુ સારું દૃશ્ય જોઈ શકાશે. યોગ્ય સાધન હશે તો ગુરુના ચંદ્રો અને શનિના વલયો પણ જોઈ શકાશે. 

- અવકાશ દર્શન માટે હવે જાતભાતની મોબાઇલ એપ્સનો પણ ઉપયોગ થાય છે. આ ગ્રહ-પરેડ આવી એપ્સ દ્વારા પણ જોઈ શકાશે. 

- બુધ અને શુક્ર ગ્રહ સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં ક્ષિતિજ પાસે દેખાવા લાગશે. મંગળ, ગુરુ અને શનિ રાત્રે આકાશમાં ઊંચે દેખાશે.

આ પણ વાંચોઃ જામનગરના નભોમંડળમાં દેખાતા મંગળ, ગુરુ, શુક્ર તથા શનિના ગ્રહને નિહાળવા અલગ-અલગ ચાર અત્યાધુનિક ટેલિસ્કોપ ગોઠવવામાં આવશે

જાહેર અવલોકન કાર્યક્રમોના આયોજન

- ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ઍન્ડ ટૅક્નોલૉજી’ (GUJCOST) દ્વારા આ દુર્લભ ખગોળીય ઘટના માટે સમગ્ર ગુજરાતમાં જાહેર અવલોકન કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે.

- ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે જીવંત ટેલિસ્કોપિક અવલોકનો થશે, કાર્યશાળાઓ થશે અને પ્રદર્શનો યોજાશે. નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પણ અપાશે. 

- ભાવનગર, ભુજ, પાટણ અને રાજકોટ સહિત રાજ્યના ઘણા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (રિજનલ સાયન્સ સેન્ટર્સ - RSCs) દ્વારા રાત્રિ-આકાશ અવલોકન સત્રો, અરસપરસ ખગોળશાસ્ત્ર કાર્યશાળાઓ અને વિશેષ પ્રદર્શનો યોજાશે.

- રાજ્યના વિવિધ સામુદાયિક વિજ્ઞાન કેન્દ્રો (કોમ્યુનિટી સાયન્સ સેન્ટર્સ - CSCs) ખાતે ગ્રહોની ગતિ અને અવકાશી સંરેખણ પાછળના વિજ્ઞાનને સમજાવવા માટેના પ્રદર્શનો યોજાશે.

દુર્લભ તક ગુમાવશો નહીં

આવી ભવ્ય ખગોળીય ઘટનાના સાક્ષી બનવાની તક જીવનમાં એક જ વાર મળતી હોય છે, તેથી એ ગુમાવવા જેવી નથી.

ગુજરાતમાં 24-25 જાન્યુઆરીની રાતે જોવા મળશે પાંચ-ગ્રહોની ભવ્ય પરેડ, જાણો અવકાશી ભવ્યતા કઈ રીતે અને ક્યાં જોઈ શકાશે 2 - image


Google NewsGoogle News