મણીપુર મામલે મૌન રહેતી ભાજપની ભગીની સંસ્થાઓ પ. બંગાળ રમખાણો મુદ્દે રસ્તા પર ઉતરી
Protests in Gujarat Over West Bengal Violence: પશ્ચિમ બંગાળમાં વક્ફ કાયદાના વિરોધની આડમાં હિન્દુઓ પર અત્યાચાર મામલે અમદાવાદ-વડોદરા અન રાજકોટમાં વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળે રેલી યોજી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી. અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે મમતા બેનરજીનું પૂતળું બાળી વિરોધ નોંધાવતાં પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે ચકમક ઝરી હતી. તો બીજી તરફ વડોદરામાં યુસુફ પઠાણનો વિરોધ કરવા રસ્તે ઉતર્યા હતા, ત્યારબાદ બેનરો સાથે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. રેલી દરમિયાન જયશ્રી રામ નારા અને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું. તો રાજકોટમાં પણ પશ્વિમ બંગાળમાં હિન્દુઓની હત્યાની તપાસ એનઆઇએને સોંપવાની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
હિંસાના પડઘા ગુજરાતમાં
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં વક્ફ સુધારા કાયદાના વિરોધમાં સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી હતી, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. અસામાજિક તત્ત્વોએ ભારે હોબાળો મચાવ્યો અને ઘણા હિન્દુ પરિવારોને નિશાન બનાવ્યા હતા. ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને ઘરોમાં તોડફોડ કરવામાં આવી હતી. જેથી ત્યાંના લોકો ડરી ગયા છે અને સ્થળાંતર કરી રહ્યા છે. જેના કારણે હિન્દુ સમાજમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે બંગાળ હિંસાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે.
આજે (શનિવારે) અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ દરમિયાન તેમણે સૂત્રોચ્ચાર દરમિયાન તેમણે મમતા બેનરજીનું પૂતળું બાળતાં પોલીસ અને હિન્દુ સંગઠનો વચ્ચે ચકમક ઝરી હતી. જોકે થોડીવારમાં મામલો શાંત પડી ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા ડિટેઇન કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ
આ તરફ વડોદરાના ઓપી રોડ ખાતે પણ ભારે સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન યોજ્યા બાદ બેનર-પોસ્ટર સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદન પત્ર પાઠવી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી હતી. સંગઠનના અગ્રણીઓનું કહેવું છે કે, વક્ફ કાયદાના વિરોધની આડમાં પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર સમર્થિત હિન્દુ વિરોધી તોફાન મામલે ભારત સરકાર એક્શનમાં આવે, રાષ્ટ્રપતિ સંજ્ઞાન લે અને તૃણમૂલ કોંગ્રેસની સરકાર હટાવી પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય.
વડોદરામાં યુસુફ પઠાણનો વિરોધ
જાણિતા ક્રિકેટર અને પશ્ચિમ બંગાળના બેહરામપુર સીટ પરથી વિજેતા બનેલા TMC સાંસદ યુસુફ પઠાણ હિન્દુઓ પર અત્યાચારની નિંદા પણ ન કરી શકતા તેઓની વિરુદ્ધ લોકોમાં ચરુ ઉકળી રહ્યો હોય તેવી પરિસ્થિતિ છે. ત્યારે ભાજપની ભગીની સંસ્થાઓ યુસુફ પઠાણનો પણ વિરોધ કરવા રસ્તે ઉતરી છે.
મણીપુર મુદ્દે મૌન કેમ?
ઉલ્લેખનીય છે કે દેશના સૌથી મોટા સળગતા મુદ્દાની જો વાત કરી તો તે છે મણીપુરની હિંસા. કુદરતી સૌદર્યથી ભરપુર એવા મણીપુરની સુંદરતા છેલ્લા કેટલાય મહિનાઓથી ત્યાં ચાલતી હિંસાના કારણે બદસુરત થઈ ગઈ છે. મણિપુર હિંસા મામલે દેશભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા. તે સમયે આવા સંગઠનો અને સંસ્થાઓએ કેમ મૌન સેવી લીધું હતું? કેમ આ સંસ્થાઓએ દેશભરમાં ક્યાંય વિરોધ પ્રદર્શન કે ધરણાંનો કાર્યક્રમ નહોતો યોજ્યો, અને હવે અચાનક પશ્ચિમ બંગાળના રમખાણો મુદ્દે તેઓ આકરી ગરમીમાં પણ રસ્તાઓ પર ઉતરી આવ્યા? આવા સવાલો પણ લોકોને થાય છે. દેશ અને રાજ્યને 'બટેંગા તો કટેંગા' નામે તોડવામાં આવી રહ્યા છે અને દેશની જનતાને ધર્મના નામે ગુમરાહ કરવામાં આવી રહ્યા હોવાની ફરીયાદો ઉઠી રહી છે.