માલધારીઓનું એલાન : 21મીએ સમગ્ર ગુજરાતમાં દૂધનું વેચાણ બંધ
- ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં શેરથામાં વેદના સભા
- માલધારીઓનું અલ્ટીમેટમ : જીવદયાની વાતો કરનાર સરકાર કાયદો પાછો નહીં ખેચે તો ગાંધીનગરમાં ધામા
અમદાવાદ,તા.19 સપ્ટેમ્બર 2022,સોમવાર
ગુજરાતમાં ઢોર નિયંત્રણ કાયદો વિધાનસભામાં પસાર કરાયો છે પણ માલધારીઓએ ભારોભાર વિરોધ નોધાવ્યો છે. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે રવિવારે શેરથામાં માલધારી વેદના સભા યોજાઇ હતી જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉમટી પડયા હતાં. માલધારીઓએ એલાન કર્યુ હતુંકે, વિધાનસભા સત્ર શરૂ થઇ રહ્યુ છે ત્યારે તા.૨૧મીએ સમગ્ર ગુજરાતમાં પશુપાલકો-માલધારીઓ દૂધનુ વેચાણ નહી કરે. એટલુ જ નહીં, ડેરીમાં ય દુધ નહી ભરે. માલધારીઓએ એવી પણ ચિમકી ઉચ્ચારી છેકે, જો ઢોર નિયંત્રણ કાયદો રદ નહી કરાય તો ગુજરાતનો માલધારી સમાજ ગાંધીનગરમાં ધામા નાંખશે.
ઉદ્યોગપતિઓને ગૌચર-પાંજરાપોળની જમીન વેચી દેવાઇ હવે કાયદાના નામે પશુપાલકોને જવાબદાર ઠેરવવા પ્રયાસો
ગુજરાતમાં રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટે પણ સરકારને ફટકાર લગાવી છે. વિધાનસભામાં ઢોર નિયંત્રણ કાયદો પસાર કરાયો છે પણ હજુ રાજ્યપાલને મોકલાયો છે કે કેમ તે અંગે પણ સરકાર ફોડ પાડવા તૈયાર નથી. એટલુ જ નહીં, દેડ અને સજાની જોગવાઇમાં ફેરફાર કરવા મુદ્દે પણ કોઇ હરફ ઉચ્ચારતુ નથી. આ સંજોગો વચ્ચે માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદો રદ કરવા માંગ બુલંદ બનાવી છે. રવિવારે શેરથામાં ગુજરાત માલધારી મહાપંચાયત આયોજીત માલધારી વેદના સભા યોજાઇ હતી જેમાં ૪૦થી વધુ મંદિરના ભુવાજી,૧૭ સામાજીક સંસ્થાના વડાઓ ઉપરાંત રાજકીય-સામાજીક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. માલધારી વેદના સભામાં માલધારી આગેવાનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતોકે, ગુજરાતમાં નિયમોને નેવે મૂકીને ઉદ્યોગપતિઓને ગૌચર અને પાંજરાપોળની જમીનીનો લ્હાણી કરી દેવામાં આવી છે. ખુદ સરકારે જ વિધાનસભામાં જ કબૂલ્યુ છેકે, કેટલાંય ગામડાઓ એવા છે જયાં ગૌચર જ નથી. હવે જયારે ચરિયાણ જ રહ્યુ નથી તો હજારો લાખો પશુઓ ચરવા જાય કયાં એ પ્રશ્ન છે. ચરિયાણ વિના પશુઓ રસ્તા પર રખડી રહ્યા છે ત્યારે મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધીશો મૂંગા પશુઓને પકડીને ઢોરવાડામાં પુરી દે છે. જયાં દંડ ચૂકવવા છતાંય ગાયોને છોડવામાં આવતી નથી. આ મૂંગા પશુઓ ઢોરવાડામાં ભૂખથી મોતને ભેટી રહી છે. એક બાજુ, ગાયના નામે મતોનુ રાજકારણ ખેલી સત્તાનુ સિહાસન મેળવવામાં આવી રહ્યુ છે બીજી બાજુ, એ જ મૂંગા પશુઓની કોઇ રખેવાળી કરવા તૈયાર નથી. રસ્તા પર રખડતા પશુઓને રાખવા માટે તંત્રે કોઇ વૈકલ્પિક વ્યવસ્થા સુધ્ધાં કરી નથી.ગુજરાત સરકારને ગાય સહિતના પશુઓ માટે દયા જેવુ કશુ છેજ નહી. દરમિયાન, સભામાં એવુ એલાન કરાયુ હતુંકે, તા.૨૨મીથી વિધાનસભાનુ બે દિવસીય સત્ર મળવા જઇ રહ્યુ છે ત્યારે તા.૨૧મીએ સમગ્ર ગુજરાતમાં પશુપાલકો અને માલધારીઓ દુધનુ વેચાણ નહી કરે. ડેરીમાં ય દૂધ આપવા નહી જાય. દૂધ નહી વેચીને માલધારીઓએ વિરોધ પ્રદર્શિત કરશે. આ ઉપરાંત તા.૨૨મીએ ગાયોને ગોળના લાડવા ખવડાવીને વિરોધ નોંધાવશે. ટૂંકમાં, માલધારીઓએ ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું.
વધુ વાંચો : સરકારની ખાલી વાતો, માલધારીઓ લડતના માર્ગે