શિક્ષકોની ભરતીની માગ સાથે ઉમેદવારોનો અનોખો વિરોધ, શિક્ષણ મંત્રીની ઉતારી આરતી
TET-TAT pass candidates in Gujarat: ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારો પોતાના પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરી રહ્યા છે. 24મી ફેબ્રુઆરીએ આ ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ આંદોલન કર્યું હતું. હવે આ ઉમેદવારોએ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ટેટ-ટાટના ઉમેદવારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની આરતી ઉતારી વિરોધ નોંધાવ્યો છે. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
'જય કુબેરભાઈ સાહેબ..જય કુબેરભાઈ સાહેબ'
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક ઉમેદવાર રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરની આરતી ઉતાર છે. જેમાં તે ગાઈ રહ્યો છે કે, 'જય કુબેરભાઈ સાહેબ..જય કુબેરભાઈ સાહેબ, મારા ટેટ વાળાના વ્હાલા, ટાટ વાળાના પ્યારા.. એવા મારા જય કુબેરભાઈ સાહેબ.. જગ્યા વધારો રે, 1થી 12માં જગ્યા વધારો રે... જગ્યા વધારો આપો, ...જગ્યા વધારો આપો.. એવા મારા કુબેરભાઈ સાહેબ..' નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી ભરતીની માંગણી કરવામાં આવી રહીં છે. જ્યારે અત્યારે પણ આ વિરોધ યથાવત્ છે.
અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તથા સપ્ટેમ્બર 2023માં અનુક્રમે TAT(S) અને TAT(HS)ની દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં 24,700 શિક્ષકોની ભરતી ક્રમિક અને ઝડપી પૂર્ણ કરવા સાથે ચાલુ ભરતી પ્રકિયામાં જગ્યા વધારો કરવા બાબતે શિક્ષણમંત્રી તેમજ અધિકારીઓને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. પરંતુ તેમ છતાં યોગ્ય વળતો જવાબ મળ્યો નથી.