રાહુલ ગાંધીના નિવેદનનો અમદાવાદમાં વિરોધ, કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ, પોસ્ટર પર કાળી શાહી લગાવી
Protest Against Rahul Gandhi in Ahmedabad: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે (પહેલી જુલાઈ) લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા દરમિયાન હિંદુ પર આપેલા નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. દિલ્હીમાં ભાજપના અનેક નેતાઓએ તેમના નિવેદનની નિંદા કરી હતી અને રાહુલ ગાંધીની માફી માંગવાની માંગ કરી હતી. ત્યારે મંગળવારે (બીજી જુલાઈ) અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં વીએચપી અને બજરંગદળના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. આ સાથે ટોળા દ્વારા રાહુલ ગાંધીના પોસ્ટર પર કાળી શાહી લગાવી હતી.
GPCC ખાતે પણ વિરોધ
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર મોડી રાત્રે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકરો રોષ સાથે પહોંચી વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા.
ગુજરાત પ્રદેશ કોંગ્રસ કાર્યાલય પર હુમલો
લોકસભામાં રાહુલ ગાંધીએ હિન્દુ પર આપેલા નિવેદનનો વિરોધ મુદ્દે પાલડી સ્થિતિ કોંગ્રેસ કાર્યલાય ખાતે તોડફોડ કરવામાં આવી છે. આ મુદ્દે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી છે.
હેમાંગ રાવલે આપી ચેલેન્જ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રવક્તા હેમાંગ રાવલે જણાવ્યું છે કે, 'બજરંગ દળ દ્વારા કોંગ્રેસની ઓફિસ પર હુમલો કરવામાં આવ્યો છે. હું કોંગ્રેસ ઓફિસે હું પહોંચું છું અને આ કહેવાતા નકલી હિંદુઓને ચેલેન્જ આપું છું કે રાતના અંધારામાં આ પ્રકારના કાયરતા પૂર્ણ હુમલા કરો છો આવો હું કોંગ્રેસ ઓફિસ પર ઉપલબ્ધ છું.' નોંધનીય છે કે, કોંગ્રેસ કાર્યાલય પર થયેલા હુમલામાં થયેલ નુકશાન અંગે કોંગ્રેસ દ્વારા હજી કોઈ અધિકૃત માહિતી આપવામાં આવી નથી.
જાણો શું છે મામલો
સંસદ સત્રના છઠ્ઠા દિવસે લોકસભા અને રાજ્યસભા બંને સદનોમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થઇ હતી. આ દરિયાન રાહુલ ગાંધીએ ચર્ચાની શરૂઆત કરી અને બંધારણના બહાને મોદી સરકાર પર ચાબખા મારવાનું શરૂ કર્યું. તેમણે પોતાના ભાષણની શરૂઆત બંધારણની કોપી હાથમાં લઇને કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ એક એવું નિવેદન આપ્યું જેથી હંગામો મચી ગયો. તેમણે કહ્યું કે, 'મોદીજીએ પોતાના ભાષણમાં એક દિવસ કહ્યું કે હિંદુસ્તાને ક્યારેય કોઇના પર હુમલો કર્યો નથી. તેનું કારણ છે, હિંદુસ્તાન અહિંસાનો દેશ છે, આ ડરતો નથી. આપણા મહાપુરૂષોએ સંદેશ આપ્યો છે- ડરો મત, ડરાવો મત. શિવજી કહે છે- ડરો મત, ડરાવો મત અને ત્રિશૂલને જમીનમાં દાટી દે છે. બીજી તરફ જે લોકો પોતાને હિંદુ કહે છે તે 24 કલાક હિંસા-હિંસા-હિંસા, નફરત-નફરત-નફરત કરે છે. તમે હિંદુ છો જ નહી. તમે હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યનો સાથ આપવો જોઇએ.'
આ પણ વાંચો: ‘હિંદુ’ મુદ્દે રાહુલ ગાંધીએ એવું તો શું કહ્યું, જવાબ આપવા વડાપ્રધાન મોદી ઊભા થઈ ગયા?
ભાજપના નેતાઓએ વિરોધ કર્યો હતો
રાહુલ ગાંધીના આ નિવેદન આપતા જ ભાજપે તેમનો વિરોધ શરૂ કરી દીધો હતો. સંસદની અંદર અને બહાર વિરોધ પ્રદર્શનો થયા. વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'રાહુલ ગાંધી સમગ્ર હિંદુ સમાજને હિંસક બનાવી રહ્યા છે તે ગંભીર બાબત છે.' જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 'X' પર લખ્યું, 'રાહુલ ગાંધીએ કરોડો હિંદુઓનું અપમાન કર્યું છે કે હિંદુઓ હિંસા કરે છે, જુઠ્ઠું બોલે છે અને નફરત ફેલાવે છે. તેમણે આ માટે માફી માંગવી જોઈએ.'