ગુજરાતમાં પ્રવાસીને આકર્ષવા ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલાની દરખાસ્ત

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
ગુજરાતમાં પ્રવાસીને આકર્ષવા ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલાની દરખાસ્ત 1 - image


- ઉત્તરાખંડના ટિહરી વિસ્તારમાં આ પ્રકારના ટુરિસ્ટ આવાસ છે

અમદાવાદ,તા.30 ડિસેમ્બર 2023,શનિવાર

ગુજરાતની પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે રાજ્ય સરકાર ઠેરઠેર દારૂબંધી નીતિમાં છૂટછાટ જાહેર કરી છે ત્યારે પ્રવાસન વિભાગે રાજ્યમાં ત્રણ જગ્યાએ ફ્લોટિંગ વિલાની દરખાસ્ત કરી છે. આ પ્રોજેક્ટ ધરોઇ ડેમ, કડાણા ડેમ અને બેટ દ્વારકામાં વિકસાવવામાં આવનાર છે.

રાજ્યના ધરોઇ, કડાણા ડેમસાઇટ ઉપરાંત બેટ દ્વારકા માટે પ્રોજેક્ટ શરૂ કરવા ખાનગી કંપનીઓને આમંત્રણ અપાશે

રાજ્ય પ્રવાસન વિભાગના ટોચના વર્તુળોએ જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓને ફ્લોટિંગ વિલાના પ્રોજેક્ટમાં આકર્ષવા માટે આમંત્રણ આપવામાં આવ્યા છે. ધરોઇ ડેમ પસંદ કરવાનું કારણ એવું આપવામાં આવે છે કે પ્રવાસીઓ આ જગ્યાએ ફ્લોટિંગ વિલામાં રોકાઇને અંબાજી, વડનગર, મોઢેરા, સિદ્ધપુર, દેવની મોરી અને પોલો ફોરેસ્ટ જેવી જગ્યાએ હરી-ફરી શકે છે.

એવી જ રીતે કડાણા ડેમસાઇટે ફ્લોટિંગ વિલા વિકસાવવાનો પ્લાન એટલા માટે બનાવવામાં આવ્યો છે કે અમદાવાદ અને વડોદરા જેવા શહેરોમાં ટુરિસ્ટને આકર્ષી શકાય છે. જ્યારે બેટ દ્વારકામાં ફ્લોટિંગ વિલા બનાવવાથી ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા ઉપરાંત શિવરાજપુર સી બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ ટુરિસ્ટ જઇ શકે છે.

ગુજરાતમાં ફ્લોટિંગ વિસાના વિકાસથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવાનો ઉદ્દેશ છે. રાજ્યમાં પહેલીવાર આવો કન્સેપ્ટ વિચારવામાં આવ્યો છે કે જેથી મુલાકાતીઓ તેમના અનુભવમાં એક નવું પર્યટન સ્થળ માણી શકે. આ વિલામાં પારંપારિક હોટલથી આગળ અપસ્કેલ રહેઠાણની સુવિધા છે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને ગ્લોબલી ખુલ્લો મૂક્યો છે કે જેથી પ્રભાવી મૂડીરોકાણ આવી શકે.દુનિયાની અનેક દેશમાં ફ્લોટિંગ વિલા જોવા મળે છે. ખાસ કરીને ટાપુ દેશો અને નૈસર્ગિંક દેશો તેમની પ્રવાસન પ્રવૃત્તિને વિલાથી વેગ આપી રહ્યાં છે. દરિયાકિનારાના શહેરોમાં આ સુવિધા ખૂબ વિકાસ પામી છે. વોટરફ્રન્ટ પર આવાસનો નજારો અદ્દભૂત હોય છે.સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતમાં પણ ફ્લોટિંગનો કન્સેપ્ટ નવો નથી. જમ્મુ-કાશ્મીર, કેરાલા, આંદામાન-નિકોબારમાં ફ્લોટિંગ હાઉસ જોવા મળે છે. ઉત્તરાખંડના ટિહરી વિસ્તારમાં પણ ફ્લોટિંગ વિલા છે. નદી, જળાશય અને વિશાળ વોટર બોડી હોય તેવી જગ્યાએ આ પ્રકારના વિલા બની શકે તેમ છે. ગુજરાતમાં આ પ્રોજેક્ટની આવશ્યકતા છે અને સંભાવના પણ ઘણી છે.


Google NewsGoogle News