ગુજરાત બનશે ગોવા ? ગિફ્ટ સિટી બાદ આ જગ્યાઓ પર દારૂની છૂટ આપવા દરખાસ્ત મૂકાઈ

Updated: Jan 2nd, 2024


Google NewsGoogle News
ગુજરાત બનશે ગોવા ? ગિફ્ટ સિટી બાદ આ જગ્યાઓ પર દારૂની છૂટ આપવા દરખાસ્ત મૂકાઈ 1 - image


- 2019માં એકવાર પ્રયાસ કરી જોયો પણ ડેવલપર્સ મળ્યા નહીં

ગાંધીનગર,તા.2 જાન્યુઆરી 2023,મંગળવાર

ગુજરાતમાં ચાર વર્ષના વિલંબ પછી દારૂબંધીની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે દરખાસ્ત કરવામાં આવી છે. ગિફ્ટ સિટીની જેમ આ ટુરિસ્ટ જગ્યાએ દારૂ પીવાની છૂટ મળી શકે તેમ છે. પ્રથમ તબક્કે ટુરિઝમ વિભાગ તરફથી સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં પ્રથમ તબક્કે સૌરાષ્ટ્ર-કચ્છના માંડવી, શિવરાજપુર, બેટ દ્વારકા, માધવપુર અને દક્ષિણના તીથલનો સમાવેશ કરાયો

રાજ્યના પ્રવાસન વિભાગે 2017 અને 2019માં બે વખત બીચ ટુરિઝમના પ્રયાસ કરી જોયા હતા પરંતુ જે તે સમયે ડેવલપર્સ કે મૂડીરોકાણ કરી શકે તેવી કંપનીઓ નહીં મળતાં આ પ્રોજેક્ટનું બાળમરણ થયું હતું પરંતુ હવે ફરીથી પ્રવાસન વિભાગ 2000 કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ લઇને આવ્યું છે. આ વખતે માત્ર પાંચ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.

પ્રવાસન વિભાગના ટોચના અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતને મળેલા 1960 કિલોમીટરના દરિયાકિનારાનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઇ શકે છે. જો આ જગ્યાએ સરકાર ગિફ્ટ સિટીની જેમ દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષી શકાય તેમ છે તેથી અમે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માગી છે.

જે પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે તેમાં દ્વારકા પાસેના બેટ દ્વારકા, પોરબંદરના માધવપુર, કચ્છના માંડવી, દ્વારકાના શિવરાજપુર અને વલસાડના તીથલનો સમાવેશ થાય છે. શિવરાજપુર અને બેટ દ્વારકાના પ્રોજેક્ટમાં પ્રવાસીઓને દ્વારકા મંદિર, શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો લાભ મળી શકે છે.

એવી જ રીતે પ્રવાસીઓને માધવપુરના બીચની આસપાસ પોરબંદર, સોમનાથ અને ગીરનારનો લહાવો મળશે. માંડવીમાં ભૂજ અને ધોરડોના કચ્છના રણનો લાભ પ્રવાસીઓ ઉઠાવી શકશે, જ્યારે તીથલના બીચ પ્રોજેક્ટમાં સુરત અને સાપુતારાનો લાભ મળે તેમ છે. આ પાંચ બીચ ટુરિઝમમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેની અલગ દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે.


Google NewsGoogle News