ગુજરાત સરકાર લાવશે એવો કાયદો કે જેનાથી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો!

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકાર લાવશે એવો કાયદો કે જેનાથી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો! 1 - image


Gujarat Government: કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા ભ્રષ્ટ અધિકારીની મિલકતો જપ્ત કરવાનો કાયદો બનાવ્યો હતો. આ કાયદો રાજ્ય સરકાર ચાલુ નોકરીએ ભ્રષ્ટાચાર આચરતાં અધિકારી તેમજ કર્મચારીઓ માટે બનાવી રહી છે. વિધાનસભાના ચોમાસુ સત્રમાં આ અંગેનું વિધેયક લાવવામાં આવે તેવી શક્યતા છે.

ભ્રષ્ટાચાર કરનારા અધિકારી અને પરિવારની મિલકતો જપ્ત કરાશે!

રાજકોટના મહાભ્રષ્ટાચારી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કિસ્સાથી ચોંકી ઉઠેલી સરકારે આગામી સત્રમાં વિધેયક લાવવાની તૈયારી શરુ કરી છે. મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસરની મિલકતનો કેસ પણ નોંધવામાં આવ્યો છે. સૂચિત કાયદામાં અપ્રમાણસર મિલકતનો કેસ દાખલ થતાં જ સરકાર તમામ સંપત્તિ અને મિલકતો જપ્ત કરી શકશે.

આ પણ વાંચો: ગુજરાત હાઈકોર્ટમાં 23 જજોની જગ્યા ખાલી, કેન્દ્ર સરકારે લેખિતમાં સ્વીકાર્યું, આ મુદ્દો સંસદમાં ગુંજ્યો


ગુજરાતમાં સરકારી કચેરીઓ અને જિલ્લા વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારની જાળમાં ફસાયેલા અધિકારી તેમજ કર્મચારીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ભ્રષ્ટ અધિકારીઓ તેમની ઉપરની કમાણીમાંથી કિંમતી જમીનો, ફાર્મ હાઉસ અને અન્ય મિલકતોમાં રોકાણ કરી રહ્યા છે. આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જો કે હવે કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે. દેશમાં અગાઉ 2006માં ઓરિસ્સા સરકારે અને 2009માં બિહાર સરકારે આ અંગેના કાયદા પસાર કર્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટમાં અરજી થતાં તે અટકાવી દેવાયા છે.

સૂચિત કાયદામાં ભ્રષ્ટ અધિકારીની જ નહીં પણ તેના પરિવારજનો અને ભળતા નામે ખરીદેલી મિલકતો પણ જપ્ત કરી શકાશે. ગુજરાતમાં એવા પણ કિસ્સા બન્યા છે કે ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કર્યો હોય પરંતુ નિવૃત્તિ બાદ જે તે અધિકારી સામે કાર્યવાહી થઈ હોય. કેન્દ્ર સરકારે 12 વર્ષ પહેલાં બનાવેલા કાયદા દ્વારા નિવૃત્તિ પછી પણ અધિકારીની મિલકતો જપ્ત કરી શકાય છે.

આ પણ વાંચો: 'AMC સરખી રીતે ફરજ નહીં બજાવે તો...', વરસાદથી પ્રજાને થતી હાલાકી પર ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ


વિજિલન્સ કમિશનમાં ભ્રષ્ટાચારના વિક્રમી કેસ

ગુજરાત વિજિલન્સ કમિશનના છેલ્લા રિપોર્ટમાં સચિવાલયના 21 વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 12,049 ફરિયાદ એક જ વર્ષમાં નોંધાઈ હતી, જે પૈકી સૌથી વધુ 2996 ફરિયાદ શહેરી વિકાસ વિભાગની તેમજ 1735 ફરિયાદ મહેસૂલ વિભાગની હતી. આ કમિશનમાં વર્ષ 2020માં 8373 ફરિયાદ નોંધાઈ હતી અને 983 અધિકારી સામે પગલાંની ભલામણ કરવામાં આવી હતી. વર્ષ 2021માં 11,226 ફરિયાદ પૈકી 1148 અને 2022માં 12608 ફરિયાદ પૈકી 1548 કેસમાં પગલાંની ભલામણ કરવામાં આવી હતી.

ગુજરાત સરકાર લાવશે એવો કાયદો કે જેનાથી ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓમાં અત્યારથી જ ફફડાટ ફેલાયો! 2 - image


Google NewsGoogle News