'ગુજરાતમાં દેવામાફી કેમ નહીં...?' મહારાષ્ટ્રમાં વાયદો કરી ભાજપ ફસાયો, ખેડૂતો બરાબરના ભડક્યા
Maharashtra Assembly Election 2024 : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે. ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે. આ જોતાં ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે, ગુજરાતમાં ખેડૂતોના ધિરાણ માફ કરવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે. ભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ થયા છે.
મહારાષ્ટ્રની ચૂંટણીને પગલે ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કરી વચનોની લ્હાણી કરી છે. ભાજપે મહારાષ્ટ્રમાં ખેડૂતોને દેવામાફીનું વચન આપ્યું છે, સાથે સાથે મહિલાઓને માસિક રૂ. 1500 સન્માન રાશિ આપવાનું પણ જાહેર કર્યું છે. ભાજપના વચનને પગલે ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા છે કેમકે, આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોચ્યું છે. ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવાયો છે.
ખેતી તો ઠીક, ખેતરો પણ ધોવાયા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી હદે બગડી છે કે, ખાતર માટે પણ નાણાં નથી. હજુ મોટાભાગના ખેડૂતોને રાહત સહાય પેકેજનો લાભ મળી શક્યો નથી. કૃષિ સહાય તો બાજુએ રહી, પણ ખેડૂતોએ 104 તાલુકામાં લીલો દુકાળ જાહેર કરવામાં માંગ કરી છે તેને સરકાર સ્વીકારવા તૈયાર નથી. ખેડૂતોના ચાલુ વર્ષના ધિરાણ માફ કરવાની વાત પણ સરકારે બાજુ પર મૂકી દીધી છે.
ખેડૂતોનું કહેવું છે કે, અન્ય પક્ષો વચન આપે તો રેવડીના નામે ભાજપ હોબાળો મચાવી રહ્યું છે. છેલ્લાં 30 વર્ષથી ગુજરાતના મતદારો ખોબલે ખોબલે ભાજપને મત આપી રહ્યા છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોમાં લાડલી યોજનાનો અમલ કરવામાં આવ્યો છે પણ ગુજરાતમાં આ યોજનાનો કેમ અમલ કરવામાં આવતો નથી. ગુજરાતની મહિલાઓને મહિને રૂ.1500 સન્માન રાશિ આપવામાં સરકાર કેમ પાછીપાની કરી રહી છે.
ગુજરાતમાં અન્ય રાજ્યની જેમ લોકોને સસ્તા રાંધણ ગેસ આપવામાં આવતા નથી. આમ, અન્ય રાજ્યમાં લાભ આપનાર ભાજપ ગુજરાતમાં મતદારોની રીતસર અવગણના કરી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે પરિણામે ભાજપની બેધારી નીતિ ખુલ્લી પડી છે અને લોકો નારાજ થયા છે. આમ, એકને ગોળ, બીજાને ખોળની નીતિ ભાજપે અપનાવી છે.