અમદાવાદમાંદૈનિક ધોરણે ઉત્પન્ન થતાં ગાર્ડન વેસ્ટ,છાણનાં પ્રોસેસ માટે પૂર્વ-પશ્ચિમમાં પ્રોસેસિંગ પ્લાન્ટ નંખાશે
પ્રતિ પ્લાન્ટ દીઠ મ્યુનિ.કોર્પો.દ્વારા ૧૧.૭૫ કરોડ કેપીટલ કોસ્ટ અપાશે
અમદાવાદ,સોમવાર,3 ફેબ્રુ,2025
અમદાવાદમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતાં ગાર્ડન વેસ્ટ અને
છાણનાં પ્રોસેસ માટે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં એક-એક પ્રોસેસિંગ પ્લાન્ટ
નાંખવામાં આવશે. પ્રતિ પ્લાન્ટ દીઠ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રુપિયા ૧૧.૭૫
કરોડ કેપીટલ કોસ્ટ આપવામાં આવશે. છાણને પ્રોસેસ કરી બાયોકોલ બનાવાશે.જેનો ઉપયોગ
ફેકટરીઓ ફયુઅલ તરીકે વપરાશમાં લઈ શકશે. બે એજન્સીઓ મ્યુનિ.તંત્રને વાર્ષિક રુપિયા
૬૦ લાખ રોયલ્ટી તરીકે ચૂકવશે.
અમદાવાદમાંથી દૈનિક ધોરણે સરેરાશ ૨૫૦ ટન જેટલો ગાર્ડન વેસ્ટ
તથા ૬૦ ટન જેટલો છાણનો વેસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા
એકત્ર કરવામાં આવે છે.પીરાણા ખાતે ૧૦૦ ટનના ગાર્ડન અને છાણનાં વેસ્ટના પ્રોસેસિંગ માટે પ્લાન્ટ
નાંખવા તથા તેના દસ વર્ષ સુધીના ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ માટે ટેન્ડર કરવામાં આવતા
અમદાવાદ પૂર્વ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા સૌરાષ્ટ્ર એન્વાયરો તથા પશ્ચિમ
માટે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા વરદાયની એન્ટરપ્રાઈઝને કામગીરી આપવા હેલ્થ
કમિટીમાં દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.બંને એજન્સીઓને ગ્યાસપુર ખાતે આવેલી
સુએજફાર્મ પૈકીની ત્રણ-ત્રણ એકર જગ્યા વાર્ષિક ધોરણે પ્રતિ ચોરસ મીટર રુપિયા એકના
દરથી ભાડે આપવામાં આવશે.