ગુજરાત યુનિવર્સિટીમાં 'ખાનગીકરણ', બે સ્પોર્ટ્સ ફેસિલિટી બંધ, 3 ભાડે આપી દેવાતા હોબાળો
Gujarat University : ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ બન્યુ છે અને અનેક સારી સ્પોર્ટસ ફેસિલિટી છે પરંતુ યુનિ.ના અણઘડ આયોજન અને બેદરકારીને લીધે સ્પોર્ટસ ફેસિલિટીનો વિદ્યાર્થીઓ ઉપયોગ કરી શકતા ન હોઈ ખાનગીકરણ મુદ્દે આજે એબીવીપી દ્વારા ભારે હંગામો કરવામા આવ્યો હતો અને ભાડે અપાયેલી ત્રણ સ્પોર્ટસ ફેસિલિટી સહિતના ખાનગીકરણ મુદ્દે વિરોધ કરીને સ્પોર્ટસ સેલની રચના કરવા માંગ કરવામા આવી હતી.
કોચ ન હોવાથી શુટિંગ એકેડેમી અને ઈન્ડોર સ્ટેડિયમ બંધ
ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં આવેલી નેકની ઈન્સપેકશન ટીમે પણ કેમ્પસમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ અને સ્પોર્ટસ ફેસિલિટી વણ વપરાયા હોવાનું પોતાના રિપોર્ટમાં નોધ્યું હતું. એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ આજે યુનિ.માં સ્પોર્ટસ ફેસિલિટીને લઈને ભારે હંગામો મચાવ્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી હોબાળો કરતા કુલપતિ કેબિનમાં જઈને સ્પોર્ટસ સેલ રચવાની માંગણી કરી હતી.એબીવીપીની ફરિયાદ મુજબ યુનિ.માં દ્રોણાચાર્ય એકેડમી ઓફ શૂટિંગ એન્ડ આચારીમાં કોચ નથી જેથી બંધ છે તેમજ ગુજરાત યુનિ.ના ઈન્ડોર સ્ટેડિયમમાં પણ કોચ ન હોવાથી હાલ બંધ છે.
આ ઉપરાંત ગુજરાત યુનિ.દ્વારા બેડમિન્ટન સેન્ટર તેમજ ટેનિસ સેન્ટર બે ખાનગી કંપનીઓ-એજન્સીઓને ભાડેથી ચલાવવા આપી દેવાયુ છે ઉપરાંત યોગ અને શોટ પૂટ માટે પણ ખાનગી એકેડેમીની પ્રક્રિયા કરવામા આવી છે.સ્પોર્ટસ કોમ્પલેક્ષને યુનિ.દ્વારા ખાનગી સંસ્થાઓને સોંપી દેવા માટે પ્રક્રિયા કરવામા આવી રહી છે.જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ તેનો લાભ મેળવી શકતા નથી. યુનિ.એ ખાનગી કંપનીઓ દૂર કરીને સ્પોર્ટસ સેલની રચના કરવા જોઈએ તેવી ઉગ્ર માંગણી કરવામા આવી હતી.
જો કે યુનિ.દ્વારા થોડા દિવસો પહેલા સ્પોર્ટસ કોમ્પલેક્ષ એન્ડ એથ્લેટિક ટ્રેક તથા ટેનિસ કોર્ટ એન્ડ જીમ્નેશિયમ હોલ અને દ્રોણાચાર્ય શૂટિંગ એકેડેમીના મેનેજમેન્ટ તથા ડેવલપમેન્ટ માટે ઈ-ટેન્ડર નોટિસ દ્વારા કંપનીઓ-એજન્સીઓ પાસેથી અરજીઓ મંગાવાઈ હતી.
જો કે થોડા જ દિવસમાં આ જાહેરાત રદ કરી દેવાઈ હતી અને હવે યુનિ.દ્વારા ફરીથી ઈટેન્ડર નોટિસ અપાશે અને જેમાં ઈન્ડોર સ્ટેડિયમ, એથ્લેટિક તેમજ સ્વીમિંગ તથા શૂટિંગ એકેડેમી સહિતની ફેસિલિટી માટે કંપનીઓ-એજન્સીઓ પાસેથી અરજીઓ મંગાવાશે.હાલ યુનિ.માં વિવિધ ગેમ્સના કોચ જ નથી તેમજ સ્પોર્ટસ ડિરેક્ટર પણ નથી.જેથી ઘણી સીન્થેટિક ટ્રેકથી માંડી એકેડમી સહિતની ઘણી સ્પોર્ટસ ફેસિલિટી બંધ હોવાની ફરિયાદ કરાઈ છે.