Get The App

ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી આરોપી ફરાર, પોલીસ ફાંફા મારતી રહી

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
ગુજરાતની સૌથી સુરક્ષિત ગણાતી જેલમાંથી આરોપી ફરાર, પોલીસ ફાંફા મારતી રહી 1 - image


Gujarat Police : ગુજરાત પોલીસ બેડામાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. સાબરમતી સેન્ટ્રલ જેલ ગુજરાતની સૌથી મોટી સુરક્ષિત જેલ હોવાનો દાવો કરવામાં આવે છે. ત્યારે હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી ચકમો આપી ફરાર થઈ જતાં પોલીસ બેડાનું નાક કપાયું છે. ફરાર કેદી વિરુદ્ધ રાણીપ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ખાતે આવેલી સાબરમતી જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલો આરોપી બીમાર હોવાથી તેને જેલની હૉસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. આ દરમિયાન તે પોલીસને ચકમો આપી જાપ્તામાંથી ફરાર થઈ ગયો હતો. મનુજી ઠાકોર નામનો આરોપી હારીજમાં હત્યાના કેસમાં સજા ભોગવી રહ્યો હતો. જેને લઈને રાણીપ પોલીસે ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે. 

બે દિવસ પહેલાં દુષ્કર્મનો આરોપી થયો હતો ફરાર

બે દિવસ પહેલાં રાજકોટમાં જેલમાં બંધ આરોપીના કેસની ટ્રાયલ શરુ થતાં પોલીસ જાપ્તા સાથે અમદાવાદ ખાતે આવેલી સિટી સેશન્સ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. ત્યારે પાકા કામનો આ આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. રાજકોટ જેલમાં બંધ રાધેશ્યામ ઉર્ફે ગોપાલ ઉર્ફે કુલદીપ રાજદેવ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો ઍક્ટ હેઠળ બળાત્કારનો ગુનો નોંધાયો છે. કોર્ટની કાર્યવાહી પૂરી થતાં તેને રાજકોટ લઈ જવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે લાલ દરવાજા પાસે ભીડનો લાભ લઈને ફરાર થઈ જતાં પોલીસે શોધખોળ શરુ કરી હતી. આ અંગે કારંજ પોલીસે ગુનો નોંધ્યો હતો. 


Google NewsGoogle News