ગાંધી-સરદારે કાયદાના જ્ઞાનનો ઉપયોગ લોકોને અધિકારો અપાવવા કર્યો હતોઃ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ

રાજકોટની જિલ્લા અને સેશન્સ કોર્ટનું ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડના હસ્તે ઉદઘાટન

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
ગાંધી-સરદારે કાયદાના જ્ઞાનનો ઉપયોગ લોકોને અધિકારો અપાવવા કર્યો હતોઃ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ 1 - image


રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર પાસે 14 એકર જમીન પર 36,520 ચોરસ મીટરના બાંધકામ સાથે રૂ. 110 કરોડના ખર્ચે બનેલી જિલ્લા અને સેશન્સ કોર્ટનું શનિવારે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ (CJI D.Y. Chandrachud)ના હસ્તે ઉદ્ધાટન કરાયું હતું. તેમણે આ કોર્ટના મકાનને ન્યાયાલયો માટે આદર્શરૂપ ગણાવીને જણાવ્યું હતું કે ‘મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની આ ધરતી પર પગ મૂકવો એ મારુ સૌભાગ્ય છે. ગાંધીજી અને સરદાર બંને વ્યવસાયે વકીલ હતા પરંતુ કાયદાનું જ્ઞાન મેળવ્યું અને તેનો ઉપયોગ દેશના લોકોને અધિકાર આપવામાં કર્યો. આ બાબત વકીલાતના વ્યવસાયની શક્તિ દર્શાવે છે.’ 

રાજકોટ ઉદ્યોગો જેટલું ફાફડા-જલેબી માટે પણ જાણીતું 

આ પ્રસંગે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડે ગુજરાતી ભાષામાં સંબોધન શરૂ કરતા હળવી શૈલીમાં કહ્યું હતું કે ‘જયશ્રી કૃષ્ણ, કેમ છો, મજામાં? અહીંના ગરબા, રેસકોર્સનો મેળો, ડીઝલ એન્જિન, ફોર્જિંગ, કાસ્ટિંગ, મશીન ટૂલ્સ, પટોળા, સોના-ચાંદીના દાગીના જેટલા જ ફાફડા-જલેબી, ગાંઠિયા પણ ખૂબ પ્રખ્યાત છે. અહીં ચા-પાનના ગલ્લા ગણવા બેસો તો રાત પડી જાય. એક ગુજરાતી ચા બ્રેક પર પણ ધંધો કરી લે છે. લોકો બપોરે એકથી ચાર સૂઈ જાય છે અને રાતે એક વાગ્યે રેસકોર્સની પાળીએ બેસીને મોજ કરે છે.’

ગાંધીજીના રાજકોટમાં કરેલા અભ્યાસને પણ યાદ કર્યો 

આ દરમિયાન તેમણે ગાંધીજીએ રાજકોટમાં કરેલા અભ્યાસ અને કબા ગાંધીના ડેલામાં કરેલા નિવાસને યાદ કરતા કહ્યું હતું કે ‘આ ભૂમિ પર આવતા જ સુવર્ણ ભૂતકાળની યાદ જ નથી આવતી, પરંતુ એકતા, પ્રગતિ અને સર્વસમાવેશકના માર્ગે જવાની જવાબદારીની ભાવના પેદા થાય છે. વકીલો અને ન્યાયધીશોનો હેતુ ન્યાય વ્યવસ્થાને વધુ સારી કેમ બનાવવી તે હોવો જોઈએ. ન્યાયતંત્ર પણ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ હોવું જોઈએ.’

આ કોર્ટ ફક્ત સિમેન્ટનું બાંધકામ નહીં, ન્યાયનું પ્રતીક છે 

આ કાર્યક્રમના ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ચીફ જસ્ટિસ ચંદ્રચૂડને આવકારીને સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે ન્યાય પ્રક્રિયાને જવાબદારીપૂર્ણ અને પારદર્શક ગણાવતા કહ્યું હતું કે ‘કોર્ટનું આ નવું મકાન માત્ર સિમેન્ટ-કોંક્રિટ કે ઈંટોનું  બાંધકામ નથી પણ ન્યાયનું પ્રતીક છે. જસ્ટિસ ફોર ઑલ માટે આપણું કમિટમેન્ટ છે.’

આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટ અને રાજકોટના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશો, રાજકોટના એડમિનિસ્ટ્રેટિવ જજ તેમજ સિનિયર વકીલો, સાંસદ અને મેયર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.


Google NewsGoogle News