શાકભાજીના ભાવમાં થયો ભડકો, આદુવાળી ચા અને સેવ-ટામેટાના શાકનો ચટાકો મોંઘો પડશે
Vegetable Prices Increased : મોંઘવારીના સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદીના પણ ફાંફા છે, ત્યારે ટામેટાંં સહિત લીલોતરી શાકભાજીના ભાવમાં વધારા થયો છે. ચોમાસાની ઋતુમાં લીલોતરી શાકભાજીની આવક ઓછી થતાં તેના ભાવમાં વધારો નોંધાયો છે. જેમાં ટામેટાંના ભાવ 100 રૂપિયા કિલો સેવ-ટામેટાંની સબજીના ભાવ પણ વધવાની શક્યતા છે, જ્યારે આદુ 260 રૂપિયા કિલો ભાવ વધતા આદુવાળી ચાના કિંમતમાં વધારો થઈ શકે છે. બીજી તરફ, શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.
લીલોતરી શાકભાજીમાં 100થી 150 સુધી ભાવમાં વધારો નોંધાયો
શાકભાજીના ભાવોમાં આશરે 100થી લઈને 150 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે, ત્યારે ટામેટાં, બટાકા સહિતના શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જેમાં સામાન્ય દિવસોમાં 15 રૂપિયા કિલોના ભાવે મળતા ડુંગળી અને બટાકાના ભાવમાં વધારો થતો તેના ભાવ 50 રૂપિયાની આસપાસ થયો છે. જ્યારે કોથમીરનો ભાવ 160 રૂપિયા કિલો, સરગવાનો ભાવ 250 રૂપિયા કિલો થયો છે. આ સાથે ટામેટાંમાં આશરે 5 ટકા ભાવમાં વધારો જોવા મળ્યો છે.
રાજકોટ APMC પ્રમાણે આજના શાકભાજીના ભાવ
શાકભાજી | પહેલાનો ભાવ | અત્યારનો ભાવ |
કોથમરી | 600 | 1000 |
રીંગણા | 150 | 300 |
કોબીજ | 500 | 800 |
ફલાવર | 400 | 800 |
ભીંડો | 600 | 1000 |
ગુવાર | 800 | 1500 |
ચોળાસીંગ | 400 | 700 |
ટીંડોળા | 400 | 800 |
દુધી | 200 | 300 |
કારેલા | 500 | 700 |
સરગવો | 1000 | 1400 |
તુરીયા | 800 | 1000 |
પરવર | 600 | 800 |
કાકડી | 400 | 600 |
ગાજર | 310 | 520 |
ગલકા | 150 | 270 |
બીટ | 250 | 400 |
મેથી | 700 | 1000 |
ડુંગળી લીલી | 750 | 1000 |
આદુ | 1700 | 2100 |
મરચા લીલા | 600 | 1000 |
મગફળી લીલી | 800 | 1200 |
મકાઇ લીલી | 280 | 500 |
લીંબુ | 600 | 1100 |
બટાકા | 300 | 611 |
સુકી ડુંગળી | 210 | 585 |
ટામેટા | 1250 | 1500 |
સુરણ | 1500 | 1800 |
આ પણ વાંચો : 'આકરી' અગિયારસ : શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા, સુરણ તો 250 રૂપિયે કિલો વેચાયું
આગામી દિવસોમાં શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થવાની શક્યતા
શાકભાજીના ભાવોના વધારાના લઈને વેપારી જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજ્યમાં ટામેટાંની આયાત મહારાષ્ટ્ર અને બેંગ્લુરુથી કરવામાં આવે છે. તેવામાં ઉનાળા દરમિયાન 25 ટકાથી વધારે ટામેટાં ગરમીના કારણે બગડેલા નીકળા હતા. જેમાં ટામેટાંની અછત દેખાતા તેના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા છે. બીજી તરફ, મધ્ય પ્રદેશથી કોથમીર આયાત કરવામાં આવે છે ત્યારે કોથમીરની આવક ઓછી થઈ હોવાથી તેના ભાવમાં બે ગણો વધારો થયો છે.
મોટા શહેરો સુધી ટામેટાં પહોંચવામાં મુશ્કેલી
ટામેટાંના ઊંચા ભાવનું કારણ પણ વરસાદ હોવાનું માનવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં અતિશય વરસાદને કારણે રસ્તા ખરાબ થઈ ગયા છે, જેના કારણે મોટા શહેરોમાં ટામેટાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. કેરળમાંથી પણ પરિવહન સેવા વરસાદના કારણે ખોરવાઈ હોવાથી ટામેટાં સમયસર બજારો સુધી પહોંચી રહ્યા નથી. જેથી ભાવ વધ્યા છે.
ટામેટાંના ભાવમાં ક્યારે રાહત મળશે?
હવે ખરીફ સિઝનના ટામેટાં બજારમાં આવી રહ્યા છે. ધીમે-ધીમે ઓગસ્ટથી સપ્ટેમ્બર સુધીમાં નવા પાક બજારમાં આવવા લાગશે, તેની સાથે ભાવમાં ઘટાડો થવાની આશંકા છે. જો માંગ ઘટે અને પુરવઠો વધે તો પણ ટામેટાંના ભાવ નીચે આવી શકે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ જો સરકાર દ્વારા સરકારી એજન્સીઓ મારફત ખુલ્લા બજારમાં ટામેટાંનું વેચાણ કરવામાં આવે તો ભાવ નીચે આવી શકે છે. આ માટે સરકાર લઘુતમ ટેકાના ભાવ (MSP) વધારી શકે છે અથવા ટામેટાંંની આયાત કરી શકે છે. આ પગલું કિંમતને નિયંત્રિત કરવામાં પણ મદદ કરશે.