રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુનો ગુજરાત પ્રવાસ: સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી, NIDના દીક્ષાંત સમારોહમાં પણ સામેલ થશે
President Draupadi Murmu Gujarat Visit: ભારતના રાષ્ટ્રપતિ દ્વૌપદી મૂર્મુ મહાશિવરાત્રિના પર્વે (26 ફેબ્રુઆરી) ગુજરાતના નર્મદાના મહેમાન બન્યા છે. જ્યાં રાત્રિ રોકાણ બાદ ગુરુવારે (27 ફેબ્રુઆરી) તેમણે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા- સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ સાથે જ તેમણે સરદારની વિરાટકાય પ્રતિમાની પાદપૂજા કરી ભાવાંજલી આપી હતી. રાષ્ટ્રપતિ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર હતા. આ કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદની મુલાકાત માટે રવાના થશે.
આ પણ વાંચોઃ અમદાવાદના નારાણપુરમાં પાણીની ટાંકી થઇ કડકભૂસ, સદનસીબે જાનહાનિ ટળી, રહીશો ચિંતામાં
આદિવાસી નૃત્ય સાથે કરાયું સ્વાગત
રાષ્ટ્રપતિનું સ્વાગત સાગબારા અને તિલકવાડાના આદિવાસી ભાઈ-બહેનોએ મેવાસી અને હોળી નૃત્ય જેવા પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા કર્યું હતું. તેમણે સ્ટેચ્યુ પરિસર સ્થિત પ્રદર્શન કક્ષની મુલાકાત લીધી હતી, જ્યાં ભારતની સ્વાતંત્ર્ય ગાથા ગુલામીથી સ્વાતંત્ર્ય સુધીની સફર, ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના સંઘર્ષ અને યોગદાનની વિગતોથી વાકેફ થયા હતા.
વ્યુઇંગ ગેલેરીની મુલાકાત લીધી
સ્ટેચ્યુ ઑફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હૃદયસ્થાનેથી સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન SOUના ગાઇડે સ્ટેચ્યુ ઑફ યુનિટીના સમગ્ર નિર્માણકાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા, પરિસરની પ્રવાસન સુવિધા વગેરે વિશે જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ કાર્યક્રમ બાદ તેઓ અમદાવાદની મુલાકાત માટે રવાના થશે. જ્યાં તેઓ NID(National Institute of Design)ના દીક્ષાંત સમારોહમાં પણ સામેલ થશે.