ગરીબ દર્દીઓનો આધાર છીનવાશે! AMC 90 વર્ષ જૂની વી.એસ. હૉસ્પિટલનો વાવટો સંકેલવાની ફિરાકમાં
VS hospital Ahmedabad : નેવું વર્ષ સુધી લોકોને ઉમદા સારવાર આપનાર અને લોકજીભે વી. એસ.ના નામથી જાણીતી બનેલી વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલનો અમ્યુકોના વર્તમાન સત્તાવાળાઓ વાવટો સંકેલી લેવાની ફિરાકમાં હોવાનું જાણકાર સૂત્રોનું કહેવું છે. 13મી ડિસેમ્બર 1931ના ચાલુ કરવામાં આવેલી હૉસ્પિટલને હવે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પલટી નાખીને તેને બીજા કોઈ સ્થળે ખસેડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. વી.એસ.નું અલગ સ્થળે કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં રૂપાંતર કરી દેવાની પણ તૈયારી ચાલતી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. એસ.વી.પી. ચાલુ થયા પછી મોટાભાગની સર્જરીના કામકાજ વી.એસ.માં કરવામાં આવતા જ નથી. વી.એસ. હૉસ્પિટલમાં અત્યારે ગાયનેક, પીડિયાટ્રીક, ઓર્થોપેડિક અને ઓપીડી ચલાવવામાં આવી રહ્યા છે. બાકીના બધાં જ દર્દીઓ ઓપીડીમાં સારવાર લઈ રહ્યા છે.
સિટી સ્કેન અને સોનાગ્રાફી બંધ કરી દેવામાં આવી
વી.એસ. હૉસ્પિટલના બંધારણના 24 નંબરના મુદ્દામાં સ્પષ્ટ જણાવાયું છે કે દર્દીઓની સારવાર માટે કરાયેલા તમામ ખર્ચના નાણાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને ચૂકવવાના રહેશે. આમ છતાં, વી.એસ.માં સિટી સ્કેન અને સોનાગ્રાફી બંધ કરી દેવામાં આવી છે. અમ્યુકોએ ખર્ચ આપીને વી. એસ. હૉસ્પિટલ ચલાવવી ફરજિયાત છે. તેથી તેને બંધ કરી શકાય તેમ ન હોવાથી તેને સામુદાયિક હેલ્થ સેન્ટરમાં રૂપાંતરિત કરી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કદાચ તેને બીજી જગ્યાએ પણ ખસેડી લેવામાં આવે તેવી સંભાવનાને નકારી શકાતી નથી.
એક જમાનામાં અમદાવાદની સિવિલ હૉસ્પિટલના વિદ્યાર્થીઓએ વી.એસ.માં પ્રેક્ટિકલ તાલીમ લઈને સેંકડો ડૉક્ટર્સ તૈયાર થયા હતા. આજે દર્દીઓના અભાવે ડૉક્ટર્સ પણ તૈયાર થતા નથી. વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે હૉસ્પિટલ તૈયાર રાખવી તેવું વીએસના બંધારણમાં જણાવવામાં આવ્યું હોવા છતાં આ સુવિધાથી વિદ્યાર્થીઓને વંચિત કરી દેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: ભાજપ સરકારમાં હિંદુ સુરક્ષાની માત્ર વાતો: ગુજરાતમાં મંદિરો લૂંટાઈ રહ્યાં છે, ત્રણ વર્ષમાં ચોરીના 501 બનાવો
279થી વધુ જગ્યાઓ ખાલી
2019ની સાલમાં એસવીપી ચાલુ થઈ તે પછી તેમાં દર્દીઓની સંખ્યા વધે તે હેતુથી જ વી.એસ. હૉસ્પિટલનો વાવટો સંકેલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ રહ્યા તેના કારણો. વી.એસ.ના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ નિવૃત્ત થયા તે પછી તેમને સ્થાને નવી નિમણૂક કરવામાં આવી નથી. અમ્યુકો સંચાલિત એએમસી મેટના ક્લાર્કની કક્ષાના કર્મચારીને વી.એસ.ના સુપરિન્ટેન્ડન્ટનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે. બીજું, વીએસમાં 279થી વધુ જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ પર નવી નિમણૂક કરવામાં આવતી જ નથી. સૌથી મોટી ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા ખાલી પડેલી છે. તદુપરાંત જુનિયર ક્લાર્કની 50, સ્ટાફનર્સની 25, આયાની 29 અને વોર્ડ બોયની 58 જગ્યાઓ ખાલી પડી છે. દસેક વર્ષથી નવી ભરતી જ કરવામાં આવતી નથી.
ગ્રાન્ટમાં સતત ઘટાડો
વી.એસ.નું નામ એટલું સારું હતં કે ઓપીડીમાં લાખો પેશન્ટ સારવાર લેવા આવતા હતા.. 2014-15ની સાલમાં 6.29 લાખ દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતા. આ દર્દીઓની સંખ્યા 2023-24માં ઘટીને 2.87 લાખ થઈ ગઈ હતી. હૉસ્પિટલમાં સારવાર લેવા માટે આવતા દર્દીઓની સંખ્યા 2014-15માં 66000ની આસપાસની હતી. આજે હૉસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓની સંખ્યા ઘટીને 8527ની થઈ ગઈ છે. અમ્યુકો તરફથી વીએસને આપવામાં આવતી ગ્રાન્ટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અગાઉના વર્ષોની ગ્રાન્ટની તુલનાએ છેલ્લા થોડા વરસોની ગ્રાન્ટમાં ખાસ્સો ઘટાડો કરી દેવામાં આવ્યો છે.
ટ્રસ્ટી મંડળના સભ્ય હાઇકોર્ટમાં
અમ્યુકોના અને સત્તાવાળાઓના વલણથી નારાજ થયેલા ટ્રસ્ટી મંડળના સભ્યો અને હૉસ્પિટલ ઊભી કરવા માટે જમીન અને નાણાંનું દાન આપનાર પરિવારના સભ્યોએ હાઇકોર્ટમાં ધા નાખી છે. તેમનું કહેવું છે કે મેડિકલ કાઉન્સિલમાં હજીય વીએસ હૉસ્પિટલનું જ નામ છે. એસવીપી હૉસ્પિટલમાં કામ કરતાં તબીબોને આજેય પગાર તો વીએસ હૉસ્પિટલના ચોપડેથી જ કરવામાં આવી રહ્યો છે. તેમને આ રીતે કરવાનો કોઈ જ અધિકાર નથી.