સત્તાના ભૂખ્યા લોકો દેશના ટૂકડા કરવા માગે છે : મોદી
- અમદાવાદ ખાતે સંબોધનમાં વડાપ્રધાનના વિરોધીઓ પર પ્રહાર
- દેશ વિરોધીઓ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ પરત લાવા માગે છે, દેશને બદનામ કરવાની એક પણ તક ગુમાવતા નથી
- દેશ વિરોધીઓ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ પરત લાવા માગે છે, દેશને બદનામ કરવાની એક પણ તક ગુમાવતા નથી
- મારી ખૂબ જ મજાક ઉડાવાઇ-અપમાન થયું પણ મેં મૌન રહીને દેશના વિકાસ પર જ ધ્યાન આપ્યું
અમદાવાદ: 'એકતરફ પ્રત્યેક દેશવાસી સમગ્ર વિશ્વમાં ભારતના બ્રાન્ડ એમ્બેસેડર બનીને દેશનું ગૌરવ વધારવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે તો બીજી તરફ દેશના જ નકારાત્મક માનસિક્તા ધરાવતા કેટલાક લોકો તેનાથી વિપરીત કામ કરે છે. તેઓ દેશની એકતા ઉપર પ્રહાર કરી રહ્યા છે. સરદાર પટેલે ૫૦૦થી વધુ રજવાડાને એક માળામાં પરોવ્યા હતા જ્યારે સત્તાના ભૂખ્યા આ લાલચુ લોકો ભારતના જ ટૂકડા-ટૂકડા કરવા માગે છે. આ દેશવિરોધીઓ જમ્મુ કાશ્મિરમાં આર્ટિકલ ૩૭૦ને પરત લાવવા માગે છે, નફરતથી છલોછલ આ લોકો દેશને બદનામ કરવાની એક તક પણ ગુમાવતા નથી. તેઓ ગુજરાતને પણ સતત નિશાન બનાવી રહ્યા છે જેના કારણે ગુજરાતે તેમનાથી સતર્ક પણ રહેવાનું છે' તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું.
સતત ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર ગુજરાત આવેલા નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ ખાતે રૂપિયા ૮ હજાર કરોડથી વધારેના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવામાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત 'વિકસિત ભારત, વિકસીત ગુજરાત'ના સમારંભમાં વડાપ્રધાન મોદીએ તેમના ૩૫ મિનિટના સંબોધનમાં ત્રીજી ટર્મના ૧૦૦ દિવસમાં એનડીએ સરકારે કરેલી કામગીરીનું લેખાં-જોખાં, આગામી સમયની બ્લ્યૂ પ્રિન્ટ, વિરોધીઓની તૃષ્ટિકરણની નીતિ સહિતના વિવિધ મુદ્દા આવરી લીધા હતા.
તેમણે કહ્યું કે, 'ગુજરાતે હંમેશાં મારા પર હેત વરસાવ્યું છે. દીકરો જ્યારે ઘરે આવે અને ઘરના લોકો પાસેથી આશીર્વાદ મેળવે ત્યારે તેને નવી ઉર્જા મળે છે. તેનો ઉત્સાહ-જોશ વધી જાય છે. દેશની જનતાએ સતત ત્રીજી વખત એક સરકાર પર પસંદગી ઉતારીને ઈતિહાસ સર્જ્યો છે. ભારતીય લોકશાહીની આ સૌથી મોટી ઘટના છે. ૧૦૦ દિવસના એજન્ડા પર કામ કરવામાં મેં કોઇ જ કસર બાકી રાખી નથી. આ સરકારને સતત ત્રીજીવાર દેશની સેવા કરવાનો અવસર આપ્યો છે. આ સરકારે દેશવાસીઓને ગેરંટી આપી હતી કે, ત્રીજી ટર્મના ૧૦૦ દિવસમાં અભૂતપૂર્વ નિર્ણયો લેવામાં આવ્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં કેન્દ્ર સરકારે રાત-દિવસ જોયા વગર દેશના નાગરિકોની સેવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે. છેલ્લા ૧૦૦ દિવસમાં રૂ. ૧૫ લાખ કરોડથી વધુની યોજનાઓ પર કામ શરૂ થયું છે. '
આ સાથે તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતાં ઉમેર્યું કે, 'દેશ માટે ૧૦૦ દિવસના એજન્ડા પર કામ કરી રહ્યો હતો ત્યારે મારી મજાક ઉડાવાતી.વિવિધ પ્રકારના તર્ક કરવામાં આવતા અને મજા લેવાતી હતી. આટલી મજાક-અપમાન છતાં મારા મૌનથી ઘણાને આશ્ચર્ય થતું. પરંતુ હું સરદાર પટેલની ધરતીમાંથી જન્મેલો છું. પ્રત્યેક મજાક-અપમાનને સહન કરીને ૧૦૦ દિવસ માત્ર નાગરિકોના કલ્યાણ-દેશ હિત પાછળ આપ્યા છે. જે લોકોને મારી મજાક ઉડાવવી હોય તે ઉડાવી લે પણ મેં પણ સામે નક્કી કર્યું હતું કે હું તેમને કોઇ વળતો જવાબ નહીં જ આપું. ભારતની શાન વધારવાના અને દરેક ભારતીયને સન્માનપૂર્વકનું જીવન આપવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકાર સતત નવી ઉર્જા અને નવી ચેતના સાથે કાર્યરત રહેશે. દેશ માટે જીવીશ, ઝઝૂમીશ અને દેશ માટે ખપી જઈશ. ૧૪૦ કરોડ ભારતવાસીઓના આશીર્વાદ મારા માટે સર્વસ્વ છે. '
- નરેન્દ્ર મોદીનો આજે અમૃત વર્ષમાં પ્રવેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ૭૪ વર્ષ પુરા કરીને અમૃત વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુજરાત સહિત દેશભરમાંથી તેમને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ આપવામાં આવી છે.
- એક્સપોર્ટ ક્વોલિટીની માનસિક્તા આપણે બદલવી પડશે
અમદાવાદ: આવનારા ૨૫ વર્ષમાં દેશને વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા રહેવાની છે એમ જણાવતા વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે ગુજરાત ભારતના સૌથી વધુ વેલ કનેક્ટેડ રાજ્યોમાંનું એક છે.
ગુજરાત મેન્યુફેક્ચરિંગ સેકટરનું હબ બનવા જઈ રહ્યું છે.ૅ'વસ્તુ એક્સપોર્ટ ક્વોલિટીની નથી, તેની ક્વોલિટી ખરાબ હોય' આ વિચારધારા આપણે બદલવાની છે. બેસ્ટ ક્વોલિટી પ્રોડક્ટસ માટે ગુજરાત ભારત અને દુનિયામાં પોતાની આગવી ઓળખ ઊભી કરશે.
- પહેલું મેડ ઈન ઈન્ડિયા એરક્રાફ્ટ ગુજરાત આપશે
વડાપ્રધાને ઉમેર્યું કે, એ દિવસો પણ દૂર નથી જ્યારે ગુજરાત પહેલું 'મેડ ઇન ઇન્ડિયા' એરક્રાફ્ટ દેશને આપશે. સેમિકન્ડક્ટર મિશનમાં પણ ગુજરાત અભૂતપૂર્વ લીડ લઈ રહ્યું છે. ગુજરાતમાં આજે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ પૂરું પાડતી યુનિવસટીઝ ઉપલબ્ધ છે. પેટ્રોલિયમ, ફોરેન્સિક સાયન્સ, વેલનેસ સહિતના દરેક આધુનિક વિષય આ યુનિવસટીઓમાં ભણી શકાય છે. વિદેશી યુનિવસટીઓ પણ ગુજરાતમાં પોતાના કેમ્પસ ખોલી રહી છે.
- વડાપ્રધાનના સંબોધનની હાઇલાઇટ્સ
* ગુજરાતના અનેક વિસ્તારમાં અતિવૃષ્ટિ જોવા મળી છે. ગુજરાતમાં એક-બે જગ્યાએ નહીં પણ ગુજરાતના દરેક ખૂણામાં વરસાદ પડયો છે અને અનેકગણો વધારે વરસાદ પડયો છે. લોકોએ અનેક સ્વજનો ગુમાવ્યા છે અને જાન- માલનું પણ નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશની જેમ તમામ પ્રકારની મદદ આપી રહી છે.
* છેલ્લા ૧૦૦ દિવસમાં રૂ. ૧૫ લાખ કરોડથી વધુની યોજનાઓ પર કામ શરૂ થયું છે.
* ચૂંટણી દરમિયાન ત્રણ કરોડ નવા ઘરો બનાવવાની ગેરેંટી આપી હતી, તેના પર કામ થઈ રહ્યું છે. આજે ગુજરાતમાં અનેક પરિવારોને પોતાનું ઘરનું ઘર મળ્યું છે. ગામ અને શહેરની સુવિધાઓના વિકાસ પર કામ થઈ રહ્યું છે. ફેક્ટરીમાં કામ કરનાર લોકો માટે વિશેષ આવાસ તૈયાર કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, વકગ વિમેન માટે નવી હોસ્ટેલ પણ તૈયાર કરવામાં આવી રહી છે.
* ૭૦ કે તેથી વધુની ઉંમરના તમામ લોકોને પાંચ લાખ સુધીની નિશુલ્ક સારવાર આપવાની ગેરંટી પૂરી કરવામાં આવી છે. છેલ્લા ૧૦૦ દિવસમાં યુવાનો માટે નોકરી, સ્વરોજગાર, કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. યુવાનો માટે રૂ. ૨ લાખ કરોડનું પીએમ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, જેનો ફાયદો ચાર કરોડથી વધુ યુવાનોને થવાનો છે.
* મુદ્રા લોન સ્વરોજગાર ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવી રહ્યું છે. પહેલા ૧૦ લાખ સુધીની લોન આપવામાં આવતી હતી, જેને વધારીને હવે ૨૦ લાખ સુધીની કરવામાં આવી છે.
* દેશની માતા અને બહેનોને કેન્દ્ર સરકારે ગેરંટી આપી હતી કે, દેશમાં ત્રણ કરોડ લખપતિ દીદી બનાવવામાં આવશે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૧ કરોડ લખપતિ દીદી બની ગઈ છે. એટલુ જ નહીં ત્રીજી ટર્મમાં માત્ર ૧૦૦ દિવસમાં જ ૧૧ લાખ નવી લખપતિ દીદી બનાવવામાં આવી છે.
* કેન્દ્ર સરકારે તેલીબિયાં પકવનારા ખેડૂતોને એમએસપીથી પણ વધુ ભાવ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ, સરકારે વિદેશી તેલની આયાત પર ડયુટી વધારી છે. સોયાબીન અને સૂર્યમુખીની ખેતી કરતા ખેડૂતોને તેનો લાભ મળશે.
* ખાદ્યતેલ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવા માટે પણ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. બાસમતી ચોખા અને ડુંગળીની નિકાસ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ પણ હટાવી લેવામાં આવ્યો છે, જેથી વિદેશમાં ભારતીય ચોખા અને ડુંગળીની માંગમાં વધારો થશે, જેનો સીધો લાભ ખેડૂતોને થશે.
* આવનારા સમયમાં દેશનાં અન્ય શહેરો પણ નમો ભારત રેપીડ રેલથી કનેક્ટ થશે.ગત ૧૫ સપ્તાહમાં દરેક સપ્તાહમાં એક વંદે ભારત ટ્રેન દેશમાં શરૂ કરવામાં આવી છે. ૧૨૫થી વધુ વંદે ભારત ટ્રેન દેશમાં હજારો લોકોને બહેતર સફરનો અનુભવ કરાવશે.
- વિશ્વમાં કોઇ પણ સમસ્યા સર્જાય તો સમાધાન માટે ભારતને યાદ કરાય છે
અમદાવાદ : વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, 'આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા ૧૦ વર્ષમાં ભારતનું કદ ખૂબ જ વધી ગયું છે. આજે નવા સંકલ્પ સાથે કામ કરતા નવા ભારતની વિદેશોમાં વાહવાહી થઈ રહી છે. આજે દુનિયા ભારત સાથે જોડાવા ઉત્સુક છે. દુનિયા ભારત અને ભારતીયોનું ખુલ્લા મનથી સ્વાગત કરે છે. ઘણી સમસ્યાઓના સમાધાન માટે આજે ભારતને યાદ કરવામાં આવે છે. ભારત તેજ ગતિથી વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. કલ્ચરથી લઈને એગ્રીકલ્ચર સુધી આજે ભારત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે'