Get The App

'ગરીબી હટાવો'નો નારો માત્ર ભાષણ પૂરતો: 'સમૃદ્ધ' ગુજરાતમાં 1.02 કરોડ લોકો ગરીબ, આંકડા ચોંકાવનારા

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
Poverty


Poverty in Gujarat: ગરીબી હટાવોના નારાં ભાષણ પુરતા સિમીત રહ્યાં છે. વાસ્તવમાં ગરીબી નાબૂદી કાર્યક્રમ અમલમાં હોવા છતાંય વાઈબ્રન્ટ ગુજરાતમાં ગરીબી દૂર થઇ શકી નથી. એક તરફ વાઈબ્રન્ટ ગુજરાતનો ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કડવી વાસ્તવિકતા એ છે કે, ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે. સુખી-સમૃદ્ધ ગુજરાતમાં આજે એવી પરિસ્થિતી પરિણમી છે કે, ગામડાનો માણસ રોજ 26 રૂપિયા પણ વાપરી શકતો નથી.  જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના 32 રૂપિયા ખર્ચવા પણ અસમર્થ છે. 

ભાજપ સરકાર ગરીબી દૂર કરવામાં નિષ્ફળ

ગરીબી આજે સરકાર માટે પણ પડકારરૂપ બની રહી છે કારણ કે, ગરીબ પરિવારોને પુરતો આહાર, રહેઠાણ અને વસ્ત્રો પણ પ્રાપ્ય નથી. ગરીબી હટાવોના સૂત્રો પોકારી સત્તાપક્ષ અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર પણ ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી છે.

સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, વિકસીત ગુજરાતમાં આજે 16.62 ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડામાં લોકો દારુણ પરિસ્થિતીમાં જીવન ગાળી રહ્યાં છે. ગામડામાં 21.54 ટકા એટલે કે, 75.35 લાખ ગરીબો છે. જ્યારે શહેરોમાં ગરીબ લોકોનુ પ્રમાણ 10.14 ટકા રહ્યુ છે. 

રાજ્યમાં ગરીબીનુ ચિત્ર સુધર્યું નથી

શહેરમાં ગરીબોની સંખ્યા વધીને 26.88 લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ના ગણાતાં ગુજરાતમાં 1.02 કરોડો લોકો ગરીબ છે. ગરીબી નાબૂદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયા ગ્રાન્ટ ખર્ચી રહી છે. એટલુ જ નહીં, બજેટમાં કરોડો રૂપિયા નાણાંકીય જોગવાઈ કરે છે છતાંય ગુજરાતમાં ગરીબીનુ ચિત્ર સુધર્યું નથી. 

આ પણ વાંચો: રાજ્યમાં ચોમાસાની સિઝનનો 72 ટકા વરસાદ, ઉત્તર અને પૂર્વ- મધ્ય ગુજરાત હજી પણ તરસ્યાં


શહેરોની સરખામણીમાં, ગામડાઓમાં ગરીબ પરિવારો વધી રહ્યાં છે. સવાલ છે કે, લાખો કરોડોના આંધણ પછીય ગુજરાતમાં ગરીબી કેમ દૂર થઈ શકી નથી. ગરીબો સુધી સરકારના લાભો કેમ પહોંચી રહ્યા નથી. જો ખરેખર સરકાર ગરીબી નાબૂદી કાર્યક્રમનો અસરકારક અમલ કરી રહી છે તો ગરીબીમાં સુધારો કેમ આવતો નથી. ગરીબી નિવારણ કાર્યક્રમ માત્ર કાગળ પર અમલમાં હોય તેમ પ્રસ્થાપિત થઈ રહ્યુ છે. ટૂંકમાં વિકસીત ગુજરાત, વાઈબ્રન્ટ ગુજરાત, વિકાસશીલ ગુજરાતની ડીંગો હાંકવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એછે કે, ગુજરાતમાં ચોથા ભાગની વસ્તી ગરીબ છે.

આ પણ વાંચો: ડ્રાઈવર-કંડકટર બંને નશાની હાલતમાં, અમે તમારા નોકર નથી, તમારે ધ્યાન રાખવાનું કે કયું બસસ્ટેન્ડ આવ્યું


છેલ્લાં બે વર્ષમાં 1359 ગરીબ પરિવારો વધ્યાં

અનેકવિધ સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખુદ રાજ્ય સરકારે કબૂલ્યું છે કે, છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારો વધ્યાં છે. સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ અને દાહોદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે. સરકારે ભલે તે દાવા કરે પણ હકીકત એ છે કે, ગુજરાતમાં ગરીબીએ અડિંગા જમાવ્યા છે. વર્ષ 2023માં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી.

'ગરીબી હટાવો'નો નારો માત્ર ભાષણ પૂરતો: 'સમૃદ્ધ' ગુજરાતમાં 1.02 કરોડ લોકો ગરીબ, આંકડા ચોંકાવનારા 2 - image


Google NewsGoogle News