'મને 10-10 રૂપિયા આપો, ચૂંટણી લડવા પૈસા નથી...' ગુજરાતમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાએ દાન માંગ્યું
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે. રાજ્યની તમામ બેઠકો પર આજે(19મી એપ્રિલ) ઉમેદવારી નોંધવવાનો છેલ્લો દિવસ છે. આ દરમિયાન પોરબંદર (Porbandar) લોકસભા બેઠકથી કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયા પર પતદારો પાસે નોટ અને વોટની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે, ' કોંગ્રેસ પક્ષના બેન્ક એકાઉન્ટ સીઝ કારણે આર્થિક રીતે મુશ્કેલી અનુભવું છું, જેથી મને ચૂંટણી લડવામાં આર્થિક સહાય કરવા માટે મતદારો મતની સાથે નોટ પણ આપે.'
કોંગ્રેસના ઉમેદવારે વોટ સાથે નોટની માગ કરી
પોરબંદર લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર લલિત વસોયાએ સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી. હું પોરબંદર લોકસભાનો કોંગ્રેસનો ઉમેદવાર છું મારી પાસે પુરતું ફંડ નથી એટલે મતદારો પાસેથી 10-10 રૂપિયા માગુ છું. હું 26 બેઠક માંથી 52 ઉમેદવાર માંથી સૌથી ઓછી મિલકત ધરાવતો ઉમેદવાર છું.' આ ઉપરાંત લલિત વસોયાએ આર્થિક સહાય માટે પોતાનું બેન્ક એકાઉન્ટ નંબર સોશિયલ મીડિયા પર જાહેર કર્યું છે, જેમાં મતદારો અથવા તો એમના મતવિસ્તારમાં રહેતા લોકો તેમને આર્થિક મદદ કરી શકે છે.
પોરબંદરમાં પાટીદાર VS પાટીદાર જંગ જામશે
પોરબંદર બેઠકથી ભાજપે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ટિકિટ આપી છે. તેમની સામે લલિત વસોયાને કોંગ્રેસે ઉમેદવાર બનાવ્યા છે જે 2017માં ઉપલેટા વિધાનસભામાં હરિભાઈ પટેલને હરાવી ધારાસભ્ય બન્યા હતા. આ પછી કોંગ્રેસે ફરી તેમના વિશ્વાસ મુકીને 2019માં પોરબંદર બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા. જેમાં તેમની હાર થઈ હતી. કોંગ્રેસે ફરી 2022ની વિધાનસભામાં તેમને ટિકિટ આપી હતી, જો કે તેમાં પણ તેમનો પરાજય થયો હતો. હવે કોંગ્રેસે આગામી 2024ની લોકસભાની ચૂંટણી માટે ફરી લલિત વસોયા પર વિશ્વાસ મુક્યો છે.
આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર 12.43 લાખ મતદારોનો વધારો