ઐતિહાસિક સ્થળો દત્તક આપવાની ગુજરાત સરકારની યોજનામાં કૉર્પોરેટ હાઉસોએ રસ જ ન દાખવ્યો
Historic Sites In Gujarat: દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા સહિત ઘણી ઐતિહાસિક ઇમારતોને કૉર્પોરેટ કંપનીઓને દત્તક આપી દેવાઈ છે. આ કૉર્પોરેટ કંપનીઓ ઐતિહાસિક ધરોધરની જાળવણી કરી રહી છે. ગુજરાતમાં પણ ટુરિઝમ વિભાગે આ યોજના પ્રસ્તુત કરી હતી પણ તેને પ્રતિસાદ સાંપડ્યો ન હતો. એક પણ કૉર્પોરેટ કંપનીએ આ યોજનામાં રસ દાખવ્યો ન હતો . આખરે આ યોજનાનું બાળમરણ થયું હતું.
ઐતિહાસિક સ્થળો દત્તક આપવાની યોજના
પ્રવાસન વિભાગે દેશમાં ઐતિહાસિક સ્થળોને કૉર્પોરેટ કંપનીઓને દત્તક આપી જાળવણી કરવા યોજના ઘડી છે. આ જ થીમ આધારે ગુજરાતમાં પણ ટુરિઝમ વિભાગે દત્તક યોજના ઘડી કાઢી હતી.
ગુજરાતમાં રાણકી વાવ, મોઢેરા સ્થિત સૂર્યમંદિર, ચાંપાનેર, જૂનાગઢનો મકબરો ઉપરાંત પાવાગઢ સહિત કુલ મળીને 19 ઐતિહાસિક સ્થળોની પસંદગી કરાઈ હતી. હાલ ઘણા ઐતિહાસિક સ્થળો એવા છે જે ઘણીધોરી વિનાના પડી રહ્યા છે. આ સ્થળોની કોઈ જાળવણી કરનાર નથી સાથે સાથે પ્રવાસીઓને આ સ્થળોએ કોઈ સુવિધા મળતી નથી.
આ પણ વાંચો:ભારતમાલાઃજમીન સંપાદન માટે કલોલ માણસાનું પ્રાથમિક જાહેરનામું અંતે રદ
19 ઐતિહાસિક સહિતના સ્થળોને દત્તક આપવાનું નક્કી કરાયું હતું
ઐતિહાસિક સ્થળોની જાળવણી થઈ શકે, સ્વચ્છતા જળવાય, પ્રવાસીઓને સુવિધા મળી રહે. આ બધાય કારણોસર ગુજરાતમાં દત્તક યોજના લાગુ કરવામાં આવી હતી. એટલું જ નહીં, ગુજરાતની કૉર્પોરેટ કંપનીઓને ઐતિહાસિક સ્થળો દત્તક લેવા પત્ર લખી વિનંતી કરવામાં આવી હતી. આમ છતાંય એક પણ કૉર્પોરેટ કંપનીએ ઐતિહાસિક સ્થળને દત્તક લેવામાં રસ દાખવ્યો ન હતો. ગુજરાત ટુરિઝમની દત્તક યોજનાને જાણે નબળો પ્રતિસાદ સાંપડ્યો હતો. આખરે આખીય દત્તક યોજના અભેરાઈએ મૂકી દેવાઈ હતી.
એક તરફ, પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં પ્રવાસનને પ્રોત્સાહન મળી શકે તેવી યોજનાઓનું બાળમરણ થઈ રહ્યું છે. ટુરિઝમ વિભાગ દ્વારા મોટા ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે પણ અમલના નામે મીંડું છે. ગુજરાતમાં સાંસ્કૃતિક વારસા સમાન ઘણી ઐતિહાસિક ધરોધર જોવાલાયક છે પણ ગુજરાત ટુરિઝમ વિભાગને પ્રવાસીઓ આકર્ષાય તેમાં રસ જ નથી.