Get The App

માઇકા હત્યા કેસઃ પોલીસે જાહેર કર્યો આરોપીનો સ્કેચ, માહિતી આપનારાની ઓળખ ગુપ્ત રખાશે

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
માઇકા હત્યા કેસઃ પોલીસે જાહેર કર્યો આરોપીનો સ્કેચ, માહિતી આપનારાની ઓળખ ગુપ્ત રખાશે 1 - image


Mica student's Murder Case: શેલામાં આવેલી માઇકામાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવકની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કરી દીધો છે. આ યુવક રવિવારે રાતે તેના મિત્ર સાથે હોસ્ટેલમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બોપલ રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકને યુવકે યોગ્ય રીતે કાર ચલાવવાનું કહીને ઠપકો આપ્યો હતો. જેની અદાવત રાખીને કારચાલકે એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકીને લોહીલુહાણ કરી દેતા તેને સારવાર માટે બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. આ સ્કેચમાં દેખાતો યુવક કે તેના જેવી દેખાતી બીજી કોઈ વ્યક્તિ અંગે માહિતી મળે તો તાત્કાલિક બોપલ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. આ માહિતી આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે એવી પણ પોલીસે બાંહેધરી આપી છે. 

માઇકા હત્યા કેસઃ પોલીસે જાહેર કર્યો આરોપીનો સ્કેચ, માહિતી આપનારાની ઓળખ ગુપ્ત રખાશે 2 - image
પ્રિયાંશુ જૈન

આ પણ વાંચો: અમદાવાદમાં કોલેજ સ્ટુડન્ટની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર, કાર ચાલક સાથે થઈ હતી સામાન્ય બોલાચાલી

બોપલ પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી

ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતના આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હોવાથી તે દિવસે કપડાં સીવડાવવા માટે બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરમાં શુટનું માપ આપવા માટે ગયા હતા. બાદમાં તેઓ ભોજન કરીને રાતના સાડા દસ વાગે પરત હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને અવાજ કરીને વાહન સરખું ચલાવવાનો ઠપકો આપતા કારચાલકે કારને પરત લાવીને પ્રિયાંશુ અને તેના મિત્ર સાથે તકરાર કરી હતી. 

આ દરમિયાન કારચાલક તેની કારમાંથી બે છરી લઇને આવ્યો હતો અને તેણે બંને હાથમાં છરી રાખીને પ્રિયાંશુના બરડા પર ઘા માર્યા હતો. જેના કારણે પ્રિયાંશુ નીચે પછડાયો હતો.  જેથી પૃથ્વીરાજ ઇજાગ્રસ્ત પ્રિયાંશુને એક ખાનગી કારમાં બોપલમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારચાલકની તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News