કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી,પોલીસને પત્ર મળ્યો
રેલવે સ્ટેશન પર RPF અને GRPF દ્વારા તપાસ હાથ ધરાઈ
રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે પોલીસ ખડકી દેવામાં આવી
image- twitter |
અમદાવાદ, 25 જાન્યુઆરી 2023 બુધવાર
આવતીકાલે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે. ગુજરાતમાં રાજ્યકક્ષાના પર્વની ઉજવણી બોટાદ ખાતે થવાની છે. આ દરમિયાન અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન અને ગીતા મંદિર બસ સ્ટેન્ડને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો નનામો પત્ર અમદાવાદ પોલીસને મળતા ખળભળાટ મચી ગયો છે. ક્રાઈમ બ્રાંચ દ્વારા આ કેસમાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
RPF અને GRPF દ્વારા તપાસ હાથ ધરાઈ
પ્રજાસત્તાક પર્વ પહેલાં ગીતા મંદિર બસ સ્ટેન્ડ અને કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળતા પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. આ પત્ર કોઈ માનસીક રીતે અસ્વસ્થ વ્યક્તિએ લખ્યો હોવાની માહિતી મળી રહી છે. રેલવે સ્ટેશન પર RPF અને GRPF દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે આ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ મળી હોવાના સમાચાર સામે આવ્યા નથી.
રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે પોલીસ ખડકી દેવાઈ
પ્રજાસત્તાક દિવસ પૂર્વે આ પ્રકારનો પત્ર મળતાં રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે.અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમે સંયુક્ત રીતે તપાસ શરુ કરી છે. કાલુપુર રેલવે સ્ટેશન પર તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.