સાણંદના કલ્હાર બ્લુ બંગ્લોઝમાં પોલીસના દરોડા, ક્રિકેટ સટ્ટો રમતા સાત બુકીઓ ઝડપાયા
LCB Rain in Sanand: અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા કલ્હાર બ્લુ બંગ્લોઝમાં ગ્રામ્ય એલસીબીના સ્ટાફે દરોડો પાડીને આઇપીએલ પર સટ્ટો રમતા સાત બુકીઓને ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન સ્થળ પર 26 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો હતો. જે બુકીઓએ પોતાના ઉપયોગ માટે રાખ્યો હતો.
પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરની બોટલનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એન કરમટીયા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી સાણંદમાં આવેલા કલ્હાર બ્લુ બંગ્લોઝમાં કેટલાંક લોકો આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમે છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા સ્થળ પર સાત બુકીઓ દારૂની મહેફિલ માણતા મળી આવ્યા હતા. તેમજ 13 મોબાઇલ ફોન, રોકડ અને ટેલીવિઝન સેટ જપ્ત કરીને વઘુ તપાસ કરી ત્યારે 26 બોટલ વિદેશી દારૂ અને ચાર ટીન બિયરનો જથ્થો પણ મળી આવ્યો હતો.
પુછપરછમાં સહદેવસિંહ ઝાલા (શિવકૃપા સોસાયટી,સાણંદ) , હિરેન માકડીયા (ભાયાવદર,તા. ઉપલેટા, જિ. રાજકોટ), પ્રતાપ સિંધવ ( ઓર્ચિડ પેરેડાઇઝ, સાઉથ બોપલ), વિરલ અગ્રાવત ( અમૃત આર્કેડ, શિવમ પાર્ક-1, રાજકોટ), પૂર્વરાજસિંહ વાઘેલા ( આલોક ફ્લેટ, સાણંદ), હરપાલસિંહ વાઘેલા ( આલોક બંગ્લોઝ, સાણંદ) અને સંગ્રામસિંહ ડોડીયા (નેનો સીટી-2, સરગાસણ, ગાંધીનગર) હોવાનું જાણવા મળ્યું હતું.
આરોપીઓએ આઇપીએલ પર ક્રિકેટ સટ્ટો રમવા માટે ખાસ કલ્હાર બ્લુમાં બંગ્લો ભાડે રાખ્યો હતો અને દારૂનો જથ્થો અંગત વપરાશ માટે મંગાવ્યો હતો. પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ શરૂ કરી છે. જેમાં મોટા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.